નેશનલ

ભારત વૈશ્વિક વેપારમાં નવો યુગ શરૂ કરાવશે: મોદી

ભારત વૈશ્વિક વેપારમાં નવો યુગ શરૂ કરાવશે: મોદી

`ખાદી, સ્વદેશી ચીજોની ખરીદી ને સ્વચ્છતા રાખીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપો’

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારત – મધ્ય પૂર્વ – યુરોપ વચ્ચેનો ઇકોનૉમિક કૉરિડૉર આગામી સેંકડો વર્ષ માટેના વૈશ્વિક વેપારમાં નવા યુગનો પ્રારંભ કરાવશે અને ઇતિહાસમાં એ વાત યાદ રખાશે કે આ નવા કૉરિડૉરનો વિચાર ભારતમાં ઉદ્ભવ્યો હતો.
મોદીએ ગાંધી જયંતીના સંદર્ભમાં જણાવ્યું હતું કે લોકોએ ખાદીના અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને અને સ્વચ્છતા રાખીને ગાંધીજીને ખરી શ્રદ્ધાંજલિ આપવી જોઇએ. તહેવારોમાં સ્વદેશી માલ જ ખરીદવો જોઇએ.
તેમણે પોતાના માસિક કાર્યક્રમ મન કી બાત'માં જૂના જમાનાનાસિલ્ક રુટ’ને યાદ કરીને જણાવ્યું હતું કે ભારત ભૂતકાળમાં જ્યારે સમૃદ્ધ અને મોટી વેપારી તાકાત ધરાવતો દેશ હતો ત્યારે સિલ્ક રુટ'નો ઉપયોગ વિશ્વના અન્ય દેશો સાથેના વેપાર માટે કરાતો હતો અને હવે ભારતે તાજેતરમાં જી-20ના સભ્ય દેશોની શિખર પરિષદમાં ભારત - મધ્ય પૂર્વ - યુરોપ વચ્ચેનો નવો ઇકોનૉમિક કૉરિડૉર શરૂ કરવા માટે સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશમાં જી-20ના સભ્ય રાષ્ટ્રોની શિખર પરિષદના સફળ આયોજન, ચંદ્રયાન-થ્રીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં અને આદિત્ય-એલ-વનને સૂર્ય તરફ મોકલવામાં મળેલી સફળતાને લીધે વિદેશોમાં ભારતનું નામ વધુ રોશન થયું છે અને હવે બધા દેશો ભારત પ્રત્યે માનથી જુએ છે. અમે જી-20માં આફ્રિકન યુનિયનને નવા સભ્ય તરીકે સમાવ્યું છે. વિશ્વના અનેક અગ્રણી દેશ મહાત્મા ગાંધીના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. મોદીએ જણાવ્યું હતું કે ગાંધી જયંતીના દિવસથી દેશમાં નવીસ્વચ્છતા ઝુંબેશ’ હાથ ધરાશે. કેન્દ્ર સરકારના દરેક મંત્રાલય સ્વચ્છતા જ સેવા' કાર્યક્રમ યોજશે. વડા પ્રધાને 27 સપ્ટેમ્બરનાવિશ્વ પર્યટન દિન’ના સંબંધમાં જણાવ્યું હતું કે પર્યટન ક્ષેત્રે ઓછા રોકાણથી વધુ રોજગારી ઊભી કરી શકાય છે. જી-20ની શિખર પરિષદ વખતે એક લાખથી વધુ વિદેશી પ્રતિનિધિઓએ ભારતનો પ્રવાસ કર્યો હતો અને દેશના વિવિધ વિસ્તારોમાં જઇને ત્યાંના વૈવિધ્ય ધરાવતા વારસાને જોયો હતો અને ત્યાંના ભોજનને માણ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે રવીન્દ્રનાથ ટાગોરની શાંતિનીકેતન અને કર્ણાટકના હોયસલ મંદિરને તાજેતરમાં વૈશ્વિક ધરોહર તરીકે જાહેર કરાયા છે, જેના માટે દેશે ગૌરવ અનુભવવો જોઇએ.
તેમણે લોકોને તહેવારોમાં સ્થાનિક બજારોમાંથી સ્વદેશી માલસામાન ખરીદવા અને ભેટ આપવા અનુરોધ કર્યો હતો.
મોદીએ 21 વર્ષીય જર્મન મહિલા કાસ્મીની વીડિયો ક્લિપ શૅર કરી હતી અને જણાવ્યું હતું કે આ જર્મન મહિલા સંસ્કૃત, મરાઠી સહિતની અનેક ભારતીય ભાષામાં ગાઇ શકે છે. હૈદરાબાદનો સાત વર્ષનો છોકરો આકર્ષણ સતીશ બાળકો માટેના સાત પુસ્તકાલય ચલાવે છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના લોકોએ એક નદીમાંથી કચરો દૂર કરીને નદીને પુનર્જીવિત કરી છે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button