ભારત કોઈનું અપમાન સહન નહીં કરે: પુતિનનું સ્પષ્ટ નિવેદન, ટ્રમ્પના ટેરિફ અને ઓઇલ કટની અસર નહીં થાય | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

ભારત કોઈનું અપમાન સહન નહીં કરે: પુતિનનું સ્પષ્ટ નિવેદન, ટ્રમ્પના ટેરિફ અને ઓઇલ કટની અસર નહીં થાય

મોસ્કો/નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પના ટેરીફ વોર મુદ્દે એક મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગુ કરાયેલા ટેરિફની કોઈ અસર નહીં થાય. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારત અને ચીન એવા રાષ્ટ્રો છે જે આત્મ-સન્માનથી ઓતપ્રોત છે. ભારતના લોકો ક્યારેય કોઈની સામે અપમાન સ્વીકારશે નહીં. પુતિને વધુમાં કહ્યું કે, “હું વડાપ્રધાન મોદીથી પરિચિત છું. તેઓ આ પ્રકારનું કોઈ પણ પગલું ક્યારેય નહીં ભરે.”

બ્લેક સીના રિસોર્ટ શહેર સોચીમાં આયોજિત વલદાઈ ડિસ્કશન ગ્રુપમાં વાત કરતાં પુતિને ભારતના વલણની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ભારત જેવો દેશ તેના નેતૃત્વના નિર્ણયો પર નજીકથી નજર રાખે છે અને ક્યારેય કોઈની સામે અપમાનજનક સ્થિતિ સ્વીકારશે નહીં. હું વડાપ્રધાન મોદીથી પરિચિત છું. તેઓ પોતે પણ આવું કોઈ પગલું નહીં ભરે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન યુદ્ધને નબળું પાડવા માટે યુરોપ, ભારત અને ચીનને રશિયન તેલની ખરીદી બંધ કરવાની અપીલ કરી હતી.

વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસરની ચેતવણી

રશિયન રાષ્ટ્રપતિએ ભારત અને ચીનને રશિયા સાથેના ઓઇલની ખરીદી ઘટાડવા માટેની કાર્યવાહી મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો અને વધુમાં ચેતવણી આપી હતી કે જો રશિયાના ઉર્જા પુરવઠામાં ઘટાડો કરવામાં આવશે, તો વૈશ્વિક અર્થતંત્ર ગંભીર સંકટમાં મુકાશે અને બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમતો $100 પ્રતિ બેરલથી ઉપર પહોંચી જશે. તેમણે ઉમેર્યું કે ભારત સાથે વેપાર અને ચૂકવણી સંબંધિત સમસ્યાઓનું સમાધાન બ્રિક્સ મંચ અથવા અન્ય માર્ગો દ્વારા કરી શકાય છે.

યુક્રેન સંઘર્ષ પર યુરોપ પર પ્રહાર

પુતિને યુક્રેન સંઘર્ષ મુદ્દે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે સીધો આરોપ લગાવ્યો કે તમામ નાટો દેશો અમારી સામે લડી રહ્યા છે અને હવે તેઓ આ છુપાવતા પણ નથી. તેમણે યુરોપ પર યુદ્ધ ચાલુ રાખવા માટે દોષારોપણ કર્યું હતું. જોકે, તેમણે શાંતિ પ્રયાસો માટે બ્રિક્સ, આરબ દેશો, ઉત્તર કોરિયા અને બેલારુસનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો…ટ્રમ્પના પેટમાં તેલ રેડાશે! રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ તારીખે ભારત આવશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button