‘સિક્સ-જી’માં ભારત વિશ્ર્વનું નેતૃત્વ કરશે: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ભારત ‘સિક્સ-જી’ ટેક્નૉલૉજીમાં વિશ્ર્વનું નેતૃત્વ કરશે. ભારત એક સમયે મોબાઇલ ફૉનનો આયાતકાર દેશ હતો, પરંતુ હવે મૉબાઇલ ફૉનનો અગ્રણી નિકાસકાર બની ગયો છે.
મોદીએ અહીં શુક્રવારે ‘ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ’ને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં મોબાઇલ ટેક્નૉલૉજીને ક્ષેત્રે ૨૦૧૪થી મોટા પાયે પરિવર્તન અને ક્રાંતિની શરૂઆત થઇ હતી. અગાઉની કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દેશમાં ટૂ-જી ટેક્નૉલૉજી ચલાવતી હતી, પરંતુ અમે ત્યાર બાદ દૂરસંચાર ક્ષેત્રે મોટી ક્રાંતિ આણી હતી. માત્ર એક જ વર્ષમાં દેશભરમાં ફાઇવ-જી ટેક્નૉલૉજી આધારિત અંદાજે પાંચ લાખ સ્ટેશન શરૂ કરાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે એપલથી લઇને ગૂગલ જેવી દૂરસંચાર ક્ષેત્રની અગ્રણી કંપનીઓ
ભારતમાં ઉત્પાદન શરૂ કરવા માટે લાઇન લગાવી રહી છે. વિશ્ર્વમાં હાલમાં અનેક દેશમાં ભારતમાં બનેલા મોબાઇલ ફૉન વપરાય છે અને તેના માટે આપણે ગર્વ અનુભવીએ છીએ.
મોદીએ જણાવ્યું હતું કે દેશમાં દૂરસંચાર ક્ષેત્રે ક્રાંતિને લીધે આર્થિક વિકાસ પણ ઝડપી બન્યો છે. એપલ, સેમસંગ, ગૂગલ પોતાના મોબાઇલ ફૉનનું ઉત્પાદન હવે ભારતમાં કરી રહ્યા છે અથવા શરૂ કરવાના છે.
તેમણે જણાવ્યું હતું કે મોબાઇલ ફૉન અને તેને લગતી અત્યાધુનિક ટેક્નૉલૉજીને લીધે ભારત ડિજિટલ ચુકવણી (પેમેન્ટ)માં વિશ્ર્વનો અગ્રણી દેશ બની ગયો છે અને યુપીઆઇ તેનું ઉદાહરણ છે.
મોદીએ જણાવ્યું હતું કે ફાઇવ-જી ટેક્નૉલૉજીને લીધે ભારતમાં શિક્ષણ, કૃષિ, આરોગ્ય, વીજ, પરિવહન સહિતના વિવિધ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. દેશમાં હજી સાયબર-સિક્યોરિટી અને ઝડપી તેમ જ સુરક્ષિત નેટવર્ક માટે વધુ કામ કરવાની જરૂર છે. દેશના નાગરિકો, ખાસ કરીને યુવાનો અત્યાધુનિક ટેક્નૉલૉજીને જલદી અપનાવી રહ્યા છે. સેમિક્ધડક્ટર ક્ષેત્રે પણ ઝડપી પ્રગતિ થઇ રહી છે.
વડા પ્રધાને દેશની ૧૦૦ શૈક્ષણિક સંસ્થાને અવૉર્ડ એનાયત કર્યા હતા. (એજન્સી)