ભારત અમેરિકા પાસેથી ખરીદશે ૩૧ પ્રિડેટર ડ્રોન
ડ્રોન: જનરલ એટૉમિક્સ ઍરૉનૉટિકલ સિસ્ટમ્સ ઇન્કૉપૉર્રેટેડના એમક્યૂ-નાઇન-બી ડ્રોન. ભારતે અમેરિકા પાસેથી આવા ૩૧ ડ્રોન અંદાજે ૩.૯૯ અબજ ડૉલરના ખર્ચે ખરીદવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો. (પીટીઆઇ)
વોશિંગ્ટન: અમેરિકાએ ભારતને ૩૧ પ્રિડેટર ડ્રોન વેચવાના કરારને મંજૂરી આપી હતી. બાદમાં અમેરિકાએ કહ્યું હતું કે આ કરાર એટલા માટે શક્ય બન્યો છે કારણ કે ભારત તેમના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદારોમાંનું એક છે. અમેરિકાએ કહ્યું કે મેગા ડ્રોન ડીલથી ભારતની દરિયાઈ સુરક્ષા સુનિશ્ર્ચિત થશે. અમેરિકાએ ગુરુવારે લગભગ ચાર અબજ ડોલરના આ સોદાને મંજૂરી આપી હતી.
ડ્રોન ડીલને મંજૂરી મળ્યા બાદ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે ભારત સાથેની અમારી ભાગીદારી સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે. અમે અમારી સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પર ભારત સાથે નજીકથી કામ કરીએ છીએ.
જ્યારે ડ્રોન ડીલની ડિલિવરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે મિલરે કહ્યું કે હું તેના માટે કોઈ સમયમર્યાદા આપી શકતો નથી. કૉંગ્રેસને સૂચના આપવી કે સોદાને મંજૂરીનું પ્રથમ પગલું હતું. તેમણે કહ્યું કે અમે આવનારા મહિનાઓમાં ડિલિવરી સમય વિશે ભારત સરકાર સાથે વાત કરીશું. પ્રસ્તાવિત મેગા ડ્રોન ડીલની જાહેરાત ગયા વર્ષે જૂનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ૩.૯૯ બિલિયન ડોલર ડીલ હેઠળ ભારતને ૩૧ હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ યુએવી મળશે. તે ભારતને અદ્યતન દરિયાઈ સુરક્ષા અને મેરીટાઇમ ડોમેન જાગૃતિ ક્ષમતા પ્રદાન કરશે.
અમેરિકામાં આઉટગોઇંગ ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુના કાર્યકાળ પર પૂછવામાં આવેલા પ્રશ્ર્ન પર મિલરે કહ્યું કે તેમની સાથે અમારા ગાઢ સંબંધો છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ. તેમણે કહ્યું કે યુએસ તેમની સાથે ઘણી સહિયારી પ્રાથમિકતાઓ પર કામ કરવા સક્ષમ છે, જેમાં સ્વતંત્ર પેસિફિકને સુનિશ્ર્ચિત કરવામાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો સમાવેશ થાય છે.