‘ડ્રેગન’ને ઝટકો ભારત લદાખમાં બનાવશે દુનિયાનું સૌથી ઊંચું કોમ્બેટ એરફિલ્ડ
નવી દિલ્હી: જી-૨૦ સમિટના સમાપન થવાની સાથે ભારતે પડોશી રાષ્ટ્ર ચીનને મોટો સંદેશ આપ્યો છે. ભારતે લદાખના ન્યોમા ખાતે વિશ્વનું સૌથી ઊંચું કોમ્બેટ એરફિલ્ડ બનાવવાનો નિર્ણય લીધો છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ૧૨ સપ્ટેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. એલએસી (લાઈન ઓફ કંટ્રોલ) પર ચીન સાથે
ચાલી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ મંત્રાલયના આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પૂર્વી લદાખના ન્યોમા બેલ્ટમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા નવા એરફિલ્ડના નિર્માણ કુલ ૨૧૮ કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. આ એરફિલ્ડનું નિર્માણ સરહદ પર ખાસ કરીને ચીનને આકરી ટક્કર આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
અગાઉ રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે યુએન દરમિયાન પહોંચેલી સર્વસંમતિ વૈશ્ર્વિક વિશ્ર્વાસની ખાધને દૂર કરવા અને વૈશ્ર્વિક વિશ્ર્વાસ અને વિશ્ર્વાસ વધારવા માટે એક ઐતિહાસિક સીમાચિરૂપ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિશ્ર્વ ગુરુ’ અને ‘વિશ્ર્વ બંધુ’ બંને તરીકે ભારતની તાકાતનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
પૂર્વી લદાખમાં ન્યોમા એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનો ઉપયોગ ત્રણ વર્ષ પહેલાથી કરવામાં આવી રહ્યો છે. ચીન સાથેની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે તેનો વપરાશ સૈનિકો અને સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ હજુ પણ ચાલુ છે.