
નવી દિલ્હી: દેશના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પવનને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે, ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવે ફરી ગરમી જોર પકડી શકે છે. દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. 15 એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારત અને ગુજરાતમાં હિટ વેવ શરુ થઇ શકે છે.
IMD એ જણાવ્યું હતું કે શનિવારે, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આજે અને કાલે પણ આવું જ વાતવરણ જોવા મળી શકે છે.
શનિવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં સાંજે વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી. જોકે, આગામી બે થી ત્રણ દિવસમાં ઘણા વિસ્તારોમાં પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વિભાગના અહેવાલ મુજબ, 14 અને 15 એપ્રિલના રોજ પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ હિટ વેવની અસર વર્તાશે. 16-18 એપ્રિલ દરમિયાન વિવિધ સ્થળોએ તિવ્ર હિટ વેવ વર્તાશે.
દિલ્હીમાં હવામાન:
શનિવારે ખરાબ હવામાનને કારણે 450 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હી એરપોર્ટ પર સેંકડો મુસાફરોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી અને ઘણી ફ્લાઇટ્સ રદ પણ કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે દિલ્હી-એનસીઆરમાં આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 16 એપ્રિલથી હિટવેવ શરુ થઇ શકે છે, જેના માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર:
ઉત્તર પ્રદેશમાં, છેલ્લા કેટલાક દિવસોથી ભારે પવન, વરસાદ અને કરા પડવાના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શનિવારે લખનઉમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વરસાદ અને આંધી બાદ હવે બિહારમાં પણ તાપમાન વધવા લાગ્યું છે.
આપણ વાંચો: તમિલનાડુમાં રાજ્યપાલની મંજૂરી વિના 10 કાયદાઓને લાગુ થઇ ગયા! સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર…
પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતમાં હવામાન:
પૂર્વ ભારતમાં કોલકાતા અને ભુવનેશ્વરમાં આકાશ વાદળછાયું રહ્યું અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ભારતના શહેરો ચેન્નઈ અને મદુરાઈમાં ગરમી વધી રહી છે જ્યાં ચેન્નઈમાં મહતમ તાપમાન તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને મદુરાઈમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. બેંગલુરુમાં હવામાન આંશિક વાદળછાયું વાતાવરણ હતું અને તાપમાન 34 ડિગ્રીની આસપાસ હતું.