
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે પરંતુ કેટલીક બાબતો પર હજુ મતભેદ છે. ટ્રેડ ડીલ માટે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે અને આગામી રાઉન્ડની વાતચીત ઓગસ્ટમાં થવાની અપેક્ષા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતી થવાની સંભાવના છે. ભારતીય પ્રતિનિધિ મંડળ અમેરિકાથી પરત આવી ચુક્યું છે. ઓગસ્ટના બીજા સપ્તાહમાં અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ભારત આવે તેવી શક્યતા છે. બંને દેશો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દ્વિપક્ષીય કરાર સમજૂતી (બીટીએ)ને અંતિમ રૂપ આપવાના ટાર્ગેટને લઈ ચાલી રહ્યા છે.
વોશિંગ્ટનમાં યોજાયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં ભારતીય પ્રતિનિધિ મંડળે ઓટો કંપોનેંટ્સ, સ્ટીલ અને કૃષિ ઉત્પાદનો પર ડ્યુટી ઘટાડવાને લઈ ચર્ચા કરી હતી. આ મુદ્દો લાંબા સમયથી બંને દેશોની ડ્રીલમાં અડચણરૂપ બની રહ્યો છે.
અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 26 ટકા સુધીનો ટેરિફ લગાવ્યો હતો, જેને 1 ઓગસ્ટ, 2025 સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. ભારત આ વધારાના ટેરિફને દૂર કરવા અને કેટલાક ક્ષેત્રોમાં લાગુ 10 ટકા ટેરિફને શૂન્ય કરવા માંગે છે, જ્યારે અમેરિકા 10 ટકા ટેરિફ યથાવત રાખવા માંગે છે. અમેરિકા ભારતના ડેરી માર્કેટમાં વધુ પ્રવેશ ઈચ્છે છે. ભારતે અત્યાર સુધી કોઈપણ વેપાર કરારમાં ડેરી ક્ષેત્રે છૂટછાટ આપી નથી.અમેરિકા સોયા, ઘઉં, મકાઈ, ઇથેનોલ અને સફરજન જેવા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની વિનંતી કરી છે, અને આનુવંશિક રીતે સંશોધિત (Genetically Modified) બિયારણોના મુદ્દે પણ છૂટ ઈચ્છે છે. ભારતના કેટલાક ખેડૂત સંગઠનો કૃષિ સંબંધિત મુદ્દાઓને આ કરારમાંથી બહાર રાખવાની માંગ કરી રહ્યા છે.
ભારત ટેક્સટાઈલ, જેમ્સ-જ્વેલરી, લેધર ગુડ્સ, કપડાં, પ્લાસ્ટિક, કેમિકલ્સ, તેલિબિયાં, દ્રાક્ષ અને કેળા સહિત પસંદગીના ક્ષેત્રોમાં ડ્યુટીમાં રાહત ઈચ્છે છે. જ્યારે અમેરિકા ઔદ્યોગિક ઉત્પાદનો, ઓટોમોબાઈલ (ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો), વાઇન, પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર ડ્યુટીમાં રાહત ઈચ્છે છે.
આ પણ વાંચો…ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે ટ્રમ્પે આપ્યા સંકેત, જાણો કેટલો ટેરિફ લગાવી શકે છે?