UNSC માં સ્થાયી સભ્યપદ માટે ભારતની રજૂઆત, ચીનનું નામ લીધા વિના કર્યો પ્રહાર

નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત સતત પ્રયત્નશીલ છે. તેમજ અનેક દેશોએ આ મુદ્દે ભારતને સમર્થન પણ આપ્યું છે. જોકે, આ મુદ્દે ચીન હંમેશા ભારતનો વિરોધ કરી રહ્યું છે. જેના પગલે ચીનની અધ્યક્ષતામાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં ભારતે ચીનનું નામ લીધા વિના તેને યોગ્ય જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે યુએનએસસીના કાયમી સભ્યોની સંખ્યા વધારવાનો વિરોધ કરી રહેલા દેશો વર્તમાન સ્થિતિના સમર્થક છે.તેમની વિચારસરણી સંકુચિત છે અને અભિગમ બિન-પ્રગતિશીલ છે.
પ્રતિનિધિત્વ મેળવવા માટે હકદાર
જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વલણ હવે સ્વીકારી શકાય તેમ નથી. ગ્લોબલ સાઉથ સાથે અન્યાયી વર્તન ચાલુ રાખી શકાય તેમ નથી. ભારત અને વિશ્વના અન્ય ભાગોના મુખ્ય દેશો સંયુક્ત રાષ્ટ્રના સંગઠનોમાં પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે હકદાર છે. જ્યાં સુધી સુરક્ષા પરિષદનો સવાલ છે. આનો અર્થ કાયમી શ્રેણીનું સભ્યપદ છે.
આ પણ વાંચો : ગુજરાતના UCC ડ્રાફ્ટ સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજાઈ
અનેક દેશ સંકુચિત માનસિકતા ધરાવે છે
સુરક્ષા પરિષદમાં બહુપક્ષીયવાદની પ્રેક્ટિસ અને વૈશ્વિક શાસનમાં સુધારા વિષય પર ખુલ્લી ચર્ચા દરમિયાન ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે કહ્યું કે યુએનએસસીમાં સુધારા માટે ત્રણ મૂળભૂત સિદ્ધાંતો આવશ્યક છે.જેમાં કાયમી અને બિન-કાયમી બંને શ્રેણીઓમાં સભ્યોની સંખ્યામાં વધારો. ટેક્સ આધારિત વાટાઘાટો શરૂ કરવી અને મહત્વાકાંક્ષી સમયમર્યાદામાં નક્કર પરિણામો પ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, જે લોકો કાયમી સભ્યપદના વિસ્તરણનો વિરોધ કરી રહ્યા છે તેઓ સંકુચિત માનસિકતા ધરાવે છે. તેમનો દૃષ્ટિકોણ સ્પષ્ટપણે બિન-પ્રગતિશીલ છે. જે હવે સ્વીકાર્ય નથી.