બ્રિસ્બેન શહેર સિનિયર ભારતીયો બાદ સાડાનવ મહિને જુનિયરોને વધુ ફળ્યું!

બ્રિસ્બેનઃ ઑસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર કે જ્યાં સાડાનવ મહિના પહેલાં રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને આકાશ દીપની બૅટિંગના જોરે ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની ત્રીજી ટેસ્ટ ડ્રૉ કરાવીને શ્રેણી સમકક્ષ જાળવી રાખી હતી એ જ શહેરના અન્ય એક મેદાન પર ભારતની અન્ડર-19 (under-19) ટીમે ગુરુવારે ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમને એક દાવ અને 58 રનથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી.
ડિસેમ્બર, 2024માં બ્રિસ્બેનના ગૅબામાં રોહિત શર્માના સુકાનમાં ભારતે પૅટ કમિન્સના નેતૃત્વમાં રમનાર ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ડ્રૉ કરાવી હતી. ગુરુવારે મુંબઈના આયુષ મ્હાત્રેના સુકાનમાં ભારતીય ટીમે બ્રિસ્બેનના ઇયાન હિલી ઓવલ ગ્રાઉન્ડ (Ian Healey Oval Ground) પરની ચાર-દિવસીય યુથ ટેસ્ટના ત્રીજા દિવસે વિલ માલાઝુકની ટીમને પ્રથમ દાવમાં 243 રન અને બીજા દાવમાં 127 રનમાં આઉટ કરીને આ શાનદાર વિજય હાંસલ કર્યો હતો.
તમિળનાડુના ભૂતપૂર્વ ક્રિકેટર વાસુદેવન દેવેન્દ્રનના પુત્ર અને ટીમના મુખ્ય પેસ બોલર દીપેશ દેવેન્દ્રને આખી ટેસ્ટમાં કુલ આઠ વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધા બાદ ગુરુવારે બીજા દાવમાં ત્રણ વિકેટ મેળવી હતી. મોડાસાના લેફ્ટ-આર્મ સ્પિનર ખિલાન પટેલે મૅચમાં કુલ ચાર વિકેટ લઈને સહાયરૂપ ભૂમિકા ભજવી હતી. કિશન કુમારે મૅચમાં કુલ પાંચ વિકેટ લઈને ભારતના બોલિંગ આક્રમણને વધુ અસરદાર બનાવ્યું હતું.
જોકે ભારતની જુનિયર ટીમની આ જીતમાં ખાસ કરીને બે બૅટ્સમેનના પણ મોટા યોગદાન હતા. ભારતની આ મૅચમાં એક જ વખત બૅટિંગ આવી હતી અને એમાં 14 વર્ષના ઓપનર વૈભવ સૂર્યવંશીએ 113 રન અને અમદાવાદના વેદાંત ત્રિવેદીએ 140 રન કર્યા હતા.