નેશનલ

ત્રીજી ટર્મમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે: મોદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતનાં લોકો લાંબા સમયથી મોદીની ગેરંટી જાણે છે. ડાયમંડ બુર્સ સુરતની જનતા માટે મોદીની ગેરંટીનું ઉદાહરણ છે. દિલ્હીમાં હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકો સાથેની તેમની વાતચીત અને ૨૦૧૪માં દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ડાયમન્ડ કોન્ફરન્સ કે જેમાં હીરા ઉદ્યોગ માટે વિશેષ સૂચિત ઝોનની જાહેરાત કરવામાં આવી હતી, તે યાદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રવાસને પગલે સુરત ડાયમંડ બુર્સ મોટું ડાયમંડ સેન્ટર બન્યું છે, જેનાથી એક જ છત હેઠળ હીરાના વેપારનાં ઘણાં પાસાંઓ શક્ય બન્યાં છે.

સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, કસબી, કારીગર અને બિઝનેસમેન તમામ માટે સુરત ડાયમંડ બુર્સ વન-સ્ટોપ શોપ બની ગયું છે. બુર્સમાં આંતરરાષ્ટ્રીય બેંકિંગ, સલામત વોલ્ટ અને જ્વેલરી મોલ જેવી સુવિધાઓ હશે, જે ૧.૫ લાખ નવી નોકરીઓ તરફ દોરી જશે.

તેમણે એવું પણ કહ્યું હતું કે, ભારતે વિશ્ર્વની અર્થવ્યવસ્થામાં ૧૦મા સ્થાનથી લઈને પાંચમા સ્થાન સુધીની હરણફાળ ભરી છે. હવે મોદીએ એ વાતની ગેરંટી આપી દીધી છે કે, ત્રીજી ઈનિંગમાં ભારત વિશ્ર્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થઈ જશે. સરકાર પાસે આગામી ૨૫ વર્ષ માટેનો રોડમેપ છે અને તે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા અને ૧૦ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનાં લક્ષ્યાંકો પર કામ કરી રહી છે. નિકાસ વધારવાના પ્રયાસોનો ઉલ્લેખ કરીને વડા પ્રધાને જણાવ્યું કે દેશના હીરા ઉદ્યોગની મોટી ભૂમિકા રહેશે. તેમણે ઉદ્યોગના ટાઇટન્સને દેશની નિકાસ વધારવામાં સુરતની ભૂમિકા વધારવાની રીતો શોધવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, એકંદરે વૈશ્ર્વિક જેમ્સ-જ્વેલરીની નિકાસમાં ભારતનો હિસ્સો માત્ર ૩.૫ ટકા છે. જો સુરત નિર્ણય લે, તો જેમ્સ-જ્વેલરીની નિકાસમાં આપણો હિસ્સો બે આંકડાને આંબી શકે છે. તેમણે આ ક્ષેત્રને નિકાસને પ્રોત્સાહન આપવા, પેટન્ટ ડિઝાઇનને પ્રોત્સાહન આપવા, નિકાસ ઉત્પાદનોના વૈવિધ્યકરણ, વધુ સારી ટેકનોલોજી માટે જોડાણ, લેબ-ગ્રોઇંગ અથવા ગ્રીન ડાયમંડને પ્રોત્સાહન આપવા અને બજેટમાં ગ્રીન ડાયમંડ માટે વિશેષ જોગવાઈઓ જેવાં પગલાંઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત તરફ સકારાત્મક વૈશ્ર્વિક દ્રષ્ટિકોણ અને ‘મેક ઇન ઇન્ડિયા’ બ્રાન્ડનાં વધતાં કદનો લાભ આ ક્ષેત્રને મળવાનો છે. ભારતના ગૌરવની સાથે સુરત ડાયમંડ બુર્સ હવે સામે આવશે. સુરત ડાયમંડ બુર્સ ભારતીય ડિઝાઇન, ડિઝાઇનર્સ, મટિરિયલ્સ અને ક્ધસેપ્ટની ક્ષમતા પ્રદર્શિત કરે છે. આ બિલ્ડિંગ નવા ભારતની ક્ષમતાઓ અને સંકલ્પોનું પ્રતીક છે.

સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પ્રસંગે સુરત ડાયમંડ બુર્સના વોકથ્રુને યાદ કરીને સ્થાપત્ય કળા પર પ્રકાશ પાડ્યો હતો અને ગ્રીન બિલ્ડિંગનો ઉલ્લેખ કર્યો હતો, જે સમગ્ર વિશ્ર્વમાં પર્યાવરણના હિમાયતીઓ માટે ઉદાહરણરૂપ બની શકે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે સુરત લાખો યુવાનો માટે ડ્રીમ સિટી છે. સુરત જેવા આધુનિક શહેરને ડાયમંડ બુર્સના રૂપમાં આવી ભવ્ય ઇમારત મળવી એ પોતે જ ઐતિહાસિક છે. સરકાર શહેરમાં આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવા પર વિશેષ ભાર મૂકીને લોકોની ક્ષમતાને આગળ વધારવા સુરતની ક્ષમતામાં વધારો કરી રહી છે. સુરતનાં જોડાણની વાત કરતાં મોદીએ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મેટ્રો રેલ સેવા અને હજીરા પોર્ટ, ડીપ વોટર એલએનજી ટર્મિનલ અને મલ્ટિ-કાર્ગો પોર્ટ સહિત સુરતનાં બંદરોનો ઉલ્લેખ કર્યો હતો. “સુરત સતત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્રો સાથે જોડાઈ રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં બહુ ઓછાં શહેરોમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી છે.” તેમણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સુરતની કનેક્ટિવિટી અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર ચાલી રહેલા કામનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે સુરતની ઉત્તર અને પૂર્વ ભારતની રેલવે કનેક્ટિવિટીને મજબૂત કરશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પણ સુરતના બિઝનેસને નવી તકો પૂરી પાડવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ દરેકને શહેરની આધુનિક કનેક્ટિવિટીનો મહત્તમ લાભ લેવા અપીલ કરતા કહ્યું હતું કે, “જો સુરત આગળ વધશે, તો ગુજરાત આગળ વધશે. જો ગુજરાત આગળ વધશે તો દેશ આગળ વધશે.

સુરત માટે અન્ય બે ભેટસોગાદો વિશે વાત કરતા વડા પ્રધાને સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલના ઉદ્ઘાટનનો અને સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાનો ઉલ્લેખ કર્યો હતો. લાંબા સમયથી પડતર રહેલી આ માગણીની પૂર્તિ માટે ઉપસ્થિત જનમેદનીએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. તેમણે સુરત દુબઈની ફ્લાઈટ શરૂ થવાની અને ટૂંક સમયમાં જ શરૂ થનારી હોંગકોંગની ફ્લાઈટ અંગે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સુરત સાથે ગુજરાત અત્યારે ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધરાવે છે. આ સંબોધનનું સમાપન કરતાં વડા પ્રધાને આગામી મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે પણ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને કેન્દ્રીય રાજય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા, સાંસદ શ્રીમતી દર્શના જરદોશ, સુરત ડાયમંડ બુર્સના ચેરમેન સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?