
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વ ભારતમાં થઇ રહેલા ઝડપી આર્થિક વિકાસની પ્રશંસા કરી રહ્યું છે. હાલમાં જ જેફરીઝે ભારત 2027 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરના જીડીપી સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી હતી. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડે એવી આગાહી કરી છે કે દેશવાસીઓ આનંદથી ઝૂમી ઉઠશે. બોર્જ બ્રેન્ડે આગાહી કરી છે કે ભારત ટૂંક સમયમાં 10 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની સાથે આ અગાઉ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતનો જીડીપી 3.6 ટ્રિલિયન યુએસ ડૉલર સુધી પહોંચી ગયો છે. 7 ટકા જીડીપી વૃદ્ધિ સાથે, તે આગામી ચાર વર્ષમાં પાંચ ટ્રિલિયન યુએસ ડૉલર સુધી પહોંચવાની અપેક્ષા છે. જેફરીઝના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા સુધારાની આમાં મોટી ભૂમિકા છે.
જેફરીઝે કહ્યું છે કે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની જશે. જીડીપીની સતત સારી વૃદ્ધિ, ભૌગોલિક રાજનીતિમાં ભારતની મજબૂત સ્થિતિ, શેરબજારની વઘતી જતી એમ-કેપ (માર્કેટ કેપિટલાઈઝેશન), સતત સુધારા અને મજબૂત કોર્પોરેટ કલ્ચરનો આમાં ફાળો છે.
જેફરીઝના ઇન્ડિયા ઇક્વિટી એનાલિસ્ટે તેમના રિપોર્ટમાં લખ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતનો જીડીપી 7 ટકાના સીએજીઆરથી વધ્યો છે. તેની કિંમત 3.6 ટ્રિલિયન ડોલર થઇ ગઇ છે. ભારત આઠમા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગયું છે. આગામી ચાર વર્ષમાં ભારતનો જીડીપી પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. તેનાથી તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની જશે. ભારતની અર્થવ્યવસ્થા જાપાન અને જર્મનીની અર્થવ્યવસ્થા કરતા પણ મોટી બનશે.
જેફરીઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય શેરબજાર હવે વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર બની ગયું છે. ભારતીય બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 2030 સુધીમાં 10 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. ભારતમાં જો સુધારા ચાલુ રહેશે તો ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની જશે. શેરબજારમાં સ્થાનિક રોકાણ વધવાને કારણે વોલેટાલિટી ઘટી છે. ભારતમાં 167 કંપનીઓ છે જેની માર્કેટ કેપ પાંચ અબજ ડૉલરથી વધારે છે. આવી સ્થિતિમાં ભારતમાં રોકાણની તકોની કમી નથી.
જેફરીઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2017માં જીએસટી લાગુ થયા બાદ ટેક્સ સિસ્ટમ સરળ બની છે. વેપાર કાર્યક્ષમતા વધી છે. દેશમાં કોર્પોરેટ ગવર્નન્સમાં સુધારો થયો છે. રેરાને કારણે હાઉસિંગ સેક્ટરની ખામીઓ દૂર કરવામાં મદદ મળી છે અને લાંબા ગાળે હાઉસિંગ સેક્ટરની ઝડપી વૃદ્ધિની શક્યતાઓ પ્રબળ બની છે. સરકાર રોડ, રેલવે, એરપોર્ટ જેવા ઇન્ફ્રા. પર વધુ રોકાણ કરી રહી છે. આ બધા કારણોસર ભારત 2030 સુધીમાં 10 ટ્રિલિયન અમેરિકન ડોલરની માર્કેટ કેપ સાથેનું માર્કેટ બનવાની અપેક્ષા છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના પ્રમુખે કહ્યું કે ભારત 7 ટકાના દરે આર્થિક વિકાસ કરી રહ્યું છે અને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા કરતા પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે.