ટાઈગર સ્ટેટ મધ્ય પ્રદેશમાં થયા વાઘના સૌથી વધુ મોત, પર્યાવરણ મંત્રાલય ચિંતિત…

નવી દિલ્હી : દેશના અલગ અલગ રાજ્યોમાં વાધના વધતાં મૃત્યુને પગલે પર્યાવરણ મંત્રાલય ચિંતામાં છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA)ના અહેવાલ મુજબ છેલ્લા 15 દિવસમાં સાત વાઘના મોત થયા છે. જ્યારે રિપોર્ટ અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 74 વાઘ મૃત મળી આવ્યા છે. જેમાંથી મોટાભાગના કેસો મધ્યપ્રદેશના જંગલ વિસ્તારોમાં નોંધાયા છે. આ શ્રેણીમાં મહારાષ્ટ્ર બીજા ક્રમે અને કર્ણાટક ત્રીજા ક્રમે છે.
ચાર વર્ષમાં સૌથી વધુ વાઘના મૃત્યુ વર્ષ 2023 માં નોંધાયા
આ રિપોર્ટમાં જણાવાયું છે કે જ્યારે વર્ષ 2012 થી 2024 દરમિયાન મળી આવેલા મૃત વાઘની સંખ્યાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે આમાંથી 50 ટકા વાઘ સંરક્ષણ ક્ષેત્રની અંદરના વિસ્તારમાં મૃત મળી આવ્યા હતા અને 42 ટકા આ ઝોનની બહારના વિસ્તારમાં મૃત મળી આવ્યા હતા.આ ઉપરાંત વાઘને પકડીને વેચવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. આવા કેસોની સંખ્યા સાત ટકાની નજીક છે. છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ વાઘના મૃત્યુ વર્ષ 2023 માં નોંધાયા હતા.
વાઘોની દેખરેખની જવાબદારી પર્યાવરણ મંત્રાલયની
આ રિપોર્ટ મુજબ આ વર્ષે પાંચ મહિનામાં વાઘના મૃત્યુના 74 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકાર વાઘના સંરક્ષણ માટે એક ખાસ પ્રોજેક્ટ હેઠળ તેમનું નિરીક્ષણ કરે છે અને વિશ્વવ્યાપી વાઘ સંરક્ષણ કાર્યક્રમના ભાગ રૂપે અન્ય દેશો સાથે પણ વાઘનું આદાનપ્રદાન કરવામાં આવે છે. આ વાઘોની દેખરેખની જવાબદારી પર્યાવરણ મંત્રાલયની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મે મહિનામાં મૃત્યુ પામેલા વાઘમાંથી એક વાઘ પંચ ટાઇગર રિઝર્વમાં સંરક્ષિત સીમાની અંદર મળી આવ્યો હતો. જ્યારે બાકીના બધા વાઘ આ વિસ્તારની બહાર મૃત હાલતમાં મળી આવ્યા હતા.
આપણ વાંચો : સેફ્ટીઃ ઓડિશામાં ટાઈગર રિઝર્વ માટે ખાસ સશસ્ત્ર દળની ‘કંપની’ની સ્થાપના કરી…