ભારતે સરહદે વધુ 10 હજાર સૈનિકો તૈનાત કરતા ચીનના પેટમાં તેલ રેડાયું, આપી આ ધમકી
ભારત અને ચીન વચ્ચે સરહદ પર ફરી એક વખત સંઘર્ષ થાય તેવી પરિસ્થિતી સર્જાઈ રહી છે. ચીન એક તરફ ભારતને ઉશ્કેરે છે અને પછી જ્યારે ભારત કોઈ જવાબી કાર્યવાહી કરે ત્યારે ધમકીઓ આપવા લાગે છે. છેલ્લા ચાર વર્ષથી, તેણે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ફ્રન્ટલાઈન પર તેના સૈનિકો તૈનાત કર્યા છે અને જ્યારે ભારતે ત્યાં તેના સૈનિકો વધારવાનું શરૂ કર્યું છે, ત્યારે હવે તેના પેટના તેલ રેડાયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે ભારતના આ પગલાથી સરહદ પર તણાવ ઘટાડવામાં મુશ્કેલી થશે. ભારતે ચીન સાથેની સીમા સુરક્ષાને મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે.
વધુ 10 હજાર સૈનિકો સરહદે પહોંચ્યા
એક સિનિયર ભારતીય અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અગાઉ પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદ પર તૈનાત 10,000 સૈનિકોની એક ટુકડીને ચીન સાથેની સરહદના એક ભાગની સુરક્ષા માટે ફરીથી તૈનાત કરવામાં આવી છે. વધુમાં, વિવાદિત ચીની સરહદ માટે શરૂઆતમાં તૈનાત 9,000 સૈનિકોનું હાલનું જૂથ હવે નવી રચાયેલી લડાયક કમાન્ડનો ભાગ હશે. એકીકૃત દળ ચીનના તિબેટ ક્ષેત્રને ભારતના રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશથી અલગ કરનારી 532-કિલોમીટર (330.57 માઇલ) લાંબી સરહદની રક્ષા માટે જવાબદાર રહેશે.
5 મે, 2020થી સંબંધો તણાવપૂર્ણ
ઉલ્લેખનિય છે કે ભારત અને ચીન વચ્ચે 45 વર્ષમાં પ્રથમ વખત સપ્ટેમ્બર 2020માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર અથડામણ થઈ હતી. આ ઘટનાઓ લદ્દાખ, તિબેટ ઓટોનોમસ રિજન અને સિક્કિમ અને તિબેટ ઓટોનોમસ રિજન વચ્ચેની સરહદમાં પેંગોંગ લેક નજીક બની હતી. મેના અંતમાં તંગદિલી વધી જ્યારે ચીને ગલવાન નદીની ખીણમાં ભારતના માર્ગ નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. ચીનના સૈનિકો સાથે ભારતના જવાનોની લોહિયાળ અથડામણ બાદ ભારતે 2021માં ચીન સાથેની તેની સરહદની રક્ષા માટે વધારાના 50,000 સૈનિકો તૈનાત કર્યા હતા. આ પછી રાજદ્વારી સંબંધો વધુ તંગ બન્યા હતા. ચીન અને ભારત બંનેએ સરહદી વિસ્તારોમાં તેમના સૈન્ય માળખાને વધારવા માટે પગલાં લીધાં છે, જેમાં મિસાઇલો અને એરક્રાફ્ટ ખસેડવા અને વધારાના સૈનિકો તૈનાત કરવાનો સમાવેશ થાય છે. આ હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધો 5 મે, 2020 થી તણાવપૂર્ણ છે. ત્યાર બાદ ભારત અને ચીન વચ્ચે સૈન્ય-રાજદ્વારી વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા હોવા છતાં, તણાવને ઉકેલવામાં પ્રગતિ ધીમી રહી છે.