તરંગ શક્તિ: પ્રથમ વખત વિશ્વના 12 દેશો સાથે ભારતની હવાઈ કવાયત

નવી દિલ્હી: ભારતીય વાયુસેના દ્વારા આયોજિત પ્રથમ બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ‘તરંગ શક્તિ’ આજે બુધવારે દક્ષિણ ભારતના સુલુરમાં શરૂઆત કરવામાં આવી. જેમાં ભાગ લેવા 12 વિદેશી દેશોના વાયુસેનાના વિમાનો મંગળવારે જ ભારત પહોંચ્યા હતા. દક્ષિણ ભારતના સુલુરમાં શરૂ થયેલી આ બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ‘તરંગ શક્તિ’ 14 ઓગસ્ટ સુધી ચાલવાની છે.
ભારતીય વાયુસેના પ્રથમ વખત બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ‘તરંગ શક્તિ’નું આયોજન કરી રહી છે. આ કવાયતમાં ભાગ લેવા માટે 51 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં 12 દેશોના વાયુસેના ભારત આવવા માટે સંમત થયા હતા. બે તબક્કાની કવાયતનો પ્રથમ તબક્કો દક્ષિણ ભારતના સુલુરમાં શરૂ થયો છે, જે 14 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં ભાગ લેવા માટે જર્મની, ફ્રાન્સ, સ્પેન અને બ્રિટનની વાયુ સેના ભારત પહોંચી ગઈ છે. તે પછી, બીજો તબક્કો પશ્ચિમ ક્ષેત્રના જોધપુરમાં 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી યોજાશે, જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, બાંગ્લાદેશ, સિંગાપોર, UAEની વાયુસેના ભાગ લેશે.
આ પણ વાંચો : વાયુસેનાનું સુખોઈ-30 વિમાન નાશિકમાં ક્રેશ, બંને પાઈલટ સુરક્ષિત

બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ‘તરંગ શક્તિ’ના પ્રારંભે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે અમારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે કે આપણે ભારતમાં આટલા મોટા પાયે કવાયત હાથ ધરવા સક્ષમ થયા છીએ. અમે વર્ષોથી ઘણા દેશો સાથે દ્વિપક્ષીય કવાયત કરી રહ્યા છીએ અને આ પ્રથમ વખત છે જ્યારે અમે બહુપક્ષીય કવાયત કરી રહ્યા છીએ. બહુપક્ષીય કવાયત માટે સુલુરને શા માટે પસંદ કરવામાં આવ્યું તે અંગે એર ચીફ માર્શલ ચૌધરીએ કહ્યું કે અમારી પાસે છ અલગ-અલગ પ્રકારના એરક્રાફ્ટ છે, જે મુલાકાતી દેશોના બે યુરોફાઈટર ટાયફૂન અને રાફેલ સાથે ઉડાન ભરી રહ્યા છે.
તેમણે કહ્યું કે અમે કવાયત માટે ઈલેક્ટ્રોનિક યુદ્ધનું વાતાવરણ પણ બનાવ્યું છે, જ્યાં અમે ભારતીય વાયુસેનાના મહત્વપૂર્ણ હિસ્સાને સપાટીથી હવામાં હથિયારો સાથે તૈનાત કર્યા છે. આ સિવાય વિવિધ રડાર અને એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ દરેક મિશનમાં વિરોધીઓ સામે કોઇપણ પ્રકારના નેટવર્ક વાતાવરણમાં કાર્ય કરે છે. આખી કવાયત ભાગ લેનારા હવાઈ દળો સાથે સામાન્ય ડેટા લિંક વિના સક્ષમ બનાવવી જરૂરી છે અને તે એક જટિલ કવાયત છે. ભારત તરફથી કવાયતનું મુખ્ય ફોકસ ‘આત્મનિર્ભરતા’ હેઠળ સ્વદેશી ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનું રહેશે.