જો આ યોજના સફળ રહી તો ફરી બનશે રામ સેતુ….
ચેન્નઈ: ભારત સરકાર પ્રવાસનને વેગ આપવા માટે રોજ નવા નવા પ્રોજેક્ટ કરી રહી છે. જે અંતર્ગત ગુજરાત જેવા ઘણા રાજ્યમાં સરકારની આવકમાં પણ નોંધપાત્ર વધારો નેંધાયો છે. હવે આધ્યાત્મિકતા અને અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે એક નવો પુલ બનાવવાની યોજના સરકાર બનાવી રહી છે.
આ પુલ ભારતના ધનુષકોડીને શ્રીલંકાના તલાઈમન્નારને જોડશે. જોકે અધિકારીઓનું કહેવું છે કે સરકાર હાલમાં સમુદ્ર પર 23 કિલોમીટર લાંબો પુલ બનાવવા માટેની શક્યતાઓ વિશે અભ્યાસ કરશે. જો કે ખાસ બાબત એ છે કે આ એ જ જગ્યા છે જેને હિંદુ માન્યતાઓ અનુસાર રામ સેતુ કહેવામાં આવે છે.
ભારત અને શ્રીલંકા જુલાઈ 2022માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની દિલ્હીની મુલાકાત દરમિયાન ત્રિંકોમાલી અને કોલંબોના બંદરો સુધી જમીન પર વેપાર વિકસાવવા વિશે સંમત થયા હતા. જેના માટે વિદેશ મંત્રાલયે અન્ય મંત્રાલયો અને વિભાગો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી. ત્યારે વિદેશ મંત્રાલયે સૌથી પહેલા બ્રિજના ફિઝિબિલિટી સ્ટડીને લઈને રિપોર્ટ તૈયાર કરવાની વાત કરી હતી.
મળતી માહિતી અનુસાર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે વધુ ભંડોળની જરૂર પડશે. જો કે આ પુલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વરદાન સાબિત થઈ શકે છે. પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા સરકારે ટેક્નોલોજી, અર્થશાસ્ત્ર અને પર્યાવરણ સહિતના અન્ય પાસાઓની તપાસ કરવી પડશે કારણકે હાલમાં ફક્ત એક વિછાર છે પરંતુ શું પ્રોજેક્ટ ખરેખર અમલમાં મૂકી શકાશે કે નહિ તે પણ વિચારવું પડશે. નોંધનીય છે કે ડિસેમ્બર 2015માં કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે રોડ અને રેલ બ્રિજ બનાવવાની યોજના પર ચર્ચા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય અગાઉ જ તમિલનાડુના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે ધનુષકોડીની પણ મુલાકાત લીધી હતી. પીએમે અહીં આવેલા કોઠંડારામસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. તેમણે ધનુષકોડી નજીક આવેલા અરિચલ મુનાઈની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે તમિલનાડુમાં શ્રીરંગનાથ સ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી. પીએમએ રામેશ્વરમના અગ્નિતીર્થમ બીચ પર સમુદ્રમાં ડૂબકી લગાવી અને ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.