દેશની ૧,૦૪,૧૨૫ શાળાઓમાં એક જ શિક્ષક! શિક્ષણ મંત્રાલયના આંકડાઓએ ખોલી સરકારની પોલ...
Top Newsનેશનલ

દેશની ૧,૦૪,૧૨૫ શાળાઓમાં એક જ શિક્ષક! શિક્ષણ મંત્રાલયના આંકડાઓએ ખોલી સરકારની પોલ…

નવી દિલ્હી: શિક્ષણએ કોઇપણ રાષ્ટ્ર કે સમુદાયના વિકાસના પાયાનો એકમ છે, શિક્ષણ વિના વિકાસની સંકલ્પના સાકાર થઈ શકે નહિ. માટેજ બંધારણે શિક્ષણને રાજ્યની જવાબદારી ગણાવી છે. બંધારણના અનુચ્છેદ 21A હેઠળ, ૬ થી ૧૪ વર્ષની વયના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. જ્યારે કોઈ વસ્તુને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવે છે, ત્યારે તે રાજ્યની સીધી જવાબદારી બની જાય છે કે તે દરેક નાગરિકને તે અધિકાર પૂરો પાડે. પરંતુ દેશમાં આવી એક લાખ કરતાં પણ વધુ શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક પર વિદ્યાર્થીઓને ભણાવવાની અને શાળા ચલાવવાની જવાબદારી છે.

તાજેતરમાં શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં આ હકીકત સામે આવી છે. તેમાં દેશમાં ૧,૦૪,૧૨૫ શાળાઓ એવી છેકે જ્યાં માત્ર એક જ શિક્ષકના માથે વિદ્યાર્થીઓને ભણાવવાની અને શાળાનાં સંચાલનની બંને જવાબદારી છે. આ શાળાઓમાં કુલ ૩૩,૭૬,૭૬૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેનો અર્થ છે કે એક શિક્ષક પર સરેરાશ ૩૪ વિદ્યાર્થીઓની જવાબદારી છે. એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યાના મામલામાં આંધ્ર પ્રદેશ પ્રથમ સ્થાને છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને લક્ષદ્વીપ આવે છે.

જોકે, વિદ્યાર્થીઓની સંખ્યાના મામલામાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે, ત્યારબાદ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ આવે છે. દિલ્હીમાં નવ એક-શિક્ષકવાળી શાળાઓ છે. પુડુચેરી, લદ્દાખ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ, તથા ચંડીગઢમાં આવી શાળાઓ નથી. અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં ફક્ત ચાર એક-શિક્ષકવાળી શાળાઓ છે.

જોકે, જ્યારે એકલ-શિક્ષકવાળી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાની વાત આવે છે, ત્યારે ઉત્તર પ્રદેશ (૬,૨૪,૩૨૭) સૌથી આગળ છે, ત્યારબાદ ઝારખંડ (૪,૩૬,૪૮૦), પશ્ચિમ બંગાળ (૨,૩૫,૪૯૪), અને મધ્ય પ્રદેશ (૨,૨૯,૦૯૫) આવે છે. બીજી બાજુ, ચંડીગઢ (૧,૨૨૨) અને દિલ્હી (૮૦૮) માં પ્રતિ શાળા સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, જે સૂચવે છે કે ત્યાંની માળખાગત સુવિધાઓનો સારો ઉપયોગ થઈ રહ્યો છે. તેનાથી વિપરીત, લદ્દાખ, મિઝોરમ અને મેઘાલય જેવા રાજ્યોમાં પ્રતિ શાળા સરેરાશ વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ૫૯, ૭૦ અને ૭૩ જેટલી ઓછી છે.

આ પણ વાંચો…હજુ કરો વિકાસની વાતોઃ શિક્ષણમાં દેશમાં ગુજરાતનું ક્યાંય સ્થાન જ નથી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button