નેશનલ

દેશમાં બ્રિજ ધરાશાયી થવાનો આંકડો જાણી ચોંકી ઉઠશો, જાણો અભ્યાસની સમગ્ર વિગતો…

નવી દિલ્હી : ગુજરાતમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર તંત્રની પોલ ખોલી નાંખી છે. તેમજ આ દરમિયાન ભૂતકાળમાં દેશમાં બનેલી મોટી બ્રિજ દુર્ઘટના પણ ચર્ચામાં આવી છે. જેમાં એક અભ્યાસ મુજબ છેલ્લા 40 વર્ષમાં ભારતમાં 2,130 બ્રિજ તૂટી પડ્યા હતા. આમાંથી ઘણા બ્રિજ બાંધકામ દરમિયાન જ તૂટી પડ્યા હતા.જેમાં બ્રિજ તૂટવાના પડવાના ઘણા કારણો છે, જેમાં કુદરતી આફતો, સામગ્રીની ખામીઓ અને ઓવરલોડિંગનો સમાવેશ થાય છે.

છેલ્લા 40 વર્ષમાં 21૩0 બ્રિજ તૂટયા
મીડિયાના વર્ષ 2024ના અહેવાલ મુજબ માર્ગ પરિવહન મંત્રાલયે રાજ્યસભાને માહિતી આપી હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 21 બ્રિજ તૂટી પડ્યા છે. આમાંથી 15 બ્રિજ બનાવવામાં આવ્યા હતા અને છ બાંધકામ હેઠળ હતા. વર્ષ 2020 માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેનું શીર્ષક હતું ‘1977 થી 2017 સુધી ભારતમાં બ્રિજ તૂટવાનું વિશ્લેષણ’ જે આંતરરાષ્ટ્રીય જર્નલ ‘સ્ટ્રક્ચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ’ માં પ્રકાશિત થયું હતું. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 40 વર્ષમાં 21૩0 બ્રિજ તૂટયા છે.

10.1 ટકા બ્રિજ સામગ્રીની ખામીને કારણે તૂટી પડ્યા
આ અભ્યાસમાં 2,010 બ્રિજોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં બ્રિજ તૂટી પડવાનું સૌથી મોટું કારણ કુદરતી આફતો છે. લગભગ 80.3 ટકા બ્રિજ કુદરતી આફતોને કારણે તૂટી પડ્યા હતા. આ ઉપરાંત, 10.1 ટકા બ્રિજ સામગ્રીની ખામીને કારણે તૂટી પડ્યા હતા. જ્યારે 3.28 ટકા બ્રિજ ઓવરલોડિંગને કારણે તૂટી પડ્યા હતા. ત્યારે તાજેતરના વર્ષોમાં ભારતમાં મુખ્ય બ્રિજ તૂટી પડવાની ઘટનાઓ પર એક નજર કરીએ:

મોરબી સસ્પેન્શન બ્રિજ અકસ્માત (30 ઓક્ટોબર, 2022)
મોરબીમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ યુગનો ઝૂલતો બ્રિજ 30 ઓક્ટોબર, 2022 ના રોજ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 130 લોકોનાં મોત થયા હતા, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. 56 લોકો ઘાયલ પણ થયા હતા.

મુંબઈ ફૂટ ઓવરબ્રિજ અકસ્માત (14 માર્ચ 2019 )
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલ્વે સ્ટેશનના ઉત્તર છેડાને બદરુદ્દીન તૈયબજી લેન સાથે જોડતા ફૂટ ઓવરબ્રિજનો એક ભાગ 14 માર્ચ 2019 ના રોજ તૂટી પડ્યો હતો. જે હિસ્સો રસ્તા પર પડી ગયો હતો. આ અકસ્માતમાં છ લોકો માર્યા ગયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા.

વારાણસી ફ્લાયઓવર અકસ્માત (15 મે, 2018 )
વારાણસીમાં સરકારી કંપની દ્વારા બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવરનો એક ભાગ 15 મે, 2018 ના રોજ વ્યસ્ત રસ્તા પર પડ્યો હતો. આ અકસ્માતમાં 18 લોકો મૃત્યુ પામ્યા હતા.

કોલકાતા માજેરહાટ ફ્લાયઓવર અકસ્માત (4 સપ્ટેમ્બર, 2018 )
દક્ષિણ કોલકાતામાં લગભગ 50 વર્ષ જૂના માજેરહાટ પુલનો એક ભાગ 4 સપ્ટેમ્બર, 2018 ના રોજ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા.

કોલકાતા ફ્લાયઓવર બ્રિજ અકસ્માત (31 માર્ચ, 2016 )
પશ્ચિમ બંગાળના કોલકાતામાં વિવેકાનંદ રોડ ફ્લાયઓવર બ્રિજ વર્ષ 2016માં આંશિક રીતે તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 27 લોકોનાં મોત થયા હતા અને 80 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત શહેરના ભીડભાડવાળા વિસ્તાર ગિરીશ પાર્ક વિસ્તારમાં થયો હતો.

દાર્જિલિંગ બ્રિજ અકસ્માત (22 ઓક્ટોબર, 2011 )
22 ઓક્ટોબર 2011 ના રોજ દાર્જિલિંગ જિલ્લાના બિજાનબારી ખાતે ગોરખા જનમુક્તિ મોરચા (GJM) ની સભામાં ભીડના દબાણને કારણે લાકડાનો જૂનો ફૂટબ્રિજ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 32 લોકોનાં મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અરુણાચલ પ્રદેશ ફૂટ બ્રિજ અકસ્માત (29 ઓક્ટોબર, 2011 )
29 ઓક્ટોબર, 2011 ના રોજ અરુણાચલ પ્રદેશમાં કામેંગ નદી પરનો ફૂટ બ્રિજ તૂટી પડ્યો હતો. દાર્જિલિંગ ઘટનાના એક અઠવાડિયા પછી જ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના બાળકો હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button