Highway જાતે જ કરશે પોતાનું સમારકામ, વિશ્વાસ ના થતો હોય તો જોઈ લો NHAIનો આ ધાસ્સુ પ્લાન…

નવી દિલ્હીઃ જે રીતે રેલવે એ દેશની લાઈફલાઈન છે એ જ રીતે હાઈવે એ દેશની ધોરી નસો છે. ભારતમાં હાઈવે એ નેશનલ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કની મુખ્ય નસ છે. રોડ નેટવર્કના વિસ્તાર અને આધુનિકીકરણના સતત કરાઈ રહેલાં પ્રયાસો બાદ પણ અનેક ભારતીય હાઈવે પર ખાડા સહિતની અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. જેને કારણે હાઈવે પર અકસ્માત થવાનું જોખમ વધી જાય છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે National Highway Authority Of India (NHAI) દ્વારા એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાન હેઠળ હાઈવે હવે પોતાનું સમારકામ જાતે જ કરી લેશે. આવો જોઈએ શું છે આખો માંઝરો…
જોકે, રસ્તાની સ્થિતિને સુધારવા માટે કાર્યવાહી કરાવવામાં આવી રહી છે. NHAI દ્વારા દેશમાં રોડ મેઈન્ટેનન્સમાં ક્રાંતિ લાવવાના હેતુથી એક નવી ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે. આ નવી ટેક્નોલોજી સ્ટીલ ફાઈબર અને બિટુમેનથી બનાવવામાં આવેલા આ ખાસ પ્રકારના ડામરનો ઉપયોગ કરીને પોતાનું સમારકામ જાતે જ કરવા માટે સક્ષમ બનાવશે.
આ નવી ટેક્નોલોજી ઓટોમેટિકલી રસ્તાના ગેપ અને ખાડાને પૂરવાનું કામ પણ કરશે. ભારતમાં રોડ એક્સિડન્ટમાં મોટાભાગે આ ખાડા અને ખરાબ રસ્તાઓ કારણભૂત બને છે. એક રિપોર્ટ અનુસાર NHAIના અધિકારી આશાવાદી છે કે આ નવી ટેક્નોલોજી હાઈવ પર જોવા મળતાં ખાડાની જૂની સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે. જોકે, આવું કરવા માટે આ નવી ટેક્નોલોજી કેટલો સમય લેશે એની કોઈ જાણકારી હાલ તો મળી શકી નહોતી.
બીજા એક રિપોર્ટમાં સરકારી વકીલનો હવાલો આવતા જણાવવામાં આવ્યું છે કે ખાડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઈનોવેટિવ અને બિનપરંપરાગત વિકલ્પોની શોધ કરાઈ રહી છે. ડામર, એક ટકાઉ ફર્શ સામગ્રીનો ઉપયોગ સામાન્યપણે ફૂટપાથ, હાઈવે, એરપોર્ટના રનવે, પાર્કિંગ પ્લોટ અને ડ્રાઈવવે બનાવવા માટે કરવામાં આવે છે. આ નિર્માણને વેગ આપે છે, પર્યાવરણ માટે અનુકૂળ છે અને એક સ્મૂધ અને શાંત રાઈડ સુનિશ્ચિત કરે છે.
આ પહેલને આગળ વધારવા પહેલાં સરકાર તેના તમામ પાસાનો ઝીણવટથી અભ્યાસ કરવા માંગે છે.
એનએચએઆઈને વિશ્વાસ છે કે આ ઈનોવેટિવ ટેક્નોલોજીથી રસ્તાની લાઈફ તો વધશે જ પણ એની સાથે સાથે ખાડાને કારણે થતી ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.