નેશનલ

ISRO અને NASA વચ્ચેના અંતરીક્ષ મિશન માટે ભારતે કરી અંતરીક્ષયાત્રીની પસંદગી

નવી દિલ્હી: ભારતે ઈન્ડો-યુએસ સ્પેસ મિશન માટે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ભારત તરફથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે આવનારા ભારત-યુએસ મિશન પર ઉડાન ભરવા માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે તેના અવકાશયાત્રી-નિયુક્તોમાં સૌથી યુવા વ્યક્તિની પસંદગી કરી છે. શુક્લાને તાજેતરમાં ભારતીય વાયુસેનામાં પ્રમોશન મળ્યું છે.

ISROએ જણાવ્યું હતું કે તેના માનવ અંતરીક્ષ ઉડાન કેન્દ્રએ સ્પેસ સ્ટેશન પર તેના Axiom-4 મિશન માટે Axiom Space Inc., US સાથે અંતરીક્ષ ઉડાન માટેની સમજૂતી કરવામાં આવી છે. નેશનલ મિશન અસાઇનમેન્ટ બોર્ડે આ મિશન માટે પ્રાઇમ અને બેકઅપ મિશન પાઇલટ તરીકે બે અંતરીક્ષયાત્રીની ભલામણ કરી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ચીફ પાઈલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ગગનયાત્રી તરીકે ઓળખાશે. આ અધિકારીઓની તાલીમ ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી શરૂ થશે.

અંતરીક્ષ કાર્યક્રમમાં ભારતને મળશે મદદ:
ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું, “આ મિશન દરમિયાન પ્રાપ્ત અનુભવ ભારતીય માનવ અવકાશ કાર્યક્રમ માટે લાભદાયી નીવડશે અને ISRO અને NASA વચ્ચે માનવ અવકાશ ઉડાન સહયોગને પણ મજબૂત બનાવશે.” જૂન 2023 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સત્તાવાર રાજકીય મુલાકાત દરમિયાન ISRO અને યુએસ સ્પેસ એજન્સી NASA દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં સ્પેસ સ્ટેશન માટે સંયુક્ત ISRO-NASA મિશનની પરિકલ્પના કરવામાં આવી હતી.

Axiom-4 મિશન (X-4) એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટેનું ચોથું ખાનગી અવકાશયાત્રી મિશન છે, જેનું સંચાલન Axiom Space દ્વારા NASA અને SpaceX સાથે ભાગીદારીમાં કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button