
નવી દિલ્હીઃ જી-20 સમિટમાં ભાગ લીધા બાદ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી આજથી ભારતની સત્તાવાર મુલાકાતે છે. આ દરમિયાન આજે તેમણે હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ પછી બંને દેશોના વડાપ્રધાનોએ સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સાઉદી અરેબિયા ભારત માટે મહત્વપૂર્ણ છે અને બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ પણ વધી રહ્યો છે.
ક્રાઉન પ્રિન્સનું આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થયા હતા.ત્યાર બાદ સાઉદી પ્રિન્સ અને ભારતીય પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટ થઇ હતી.
સાઇદી પ્રિન્સે G20 સમિટ માટે ભારતને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેઓ ભારત આવીને ખૂબ જ ખુશ છે. ભારત અને સાઉદી અરેબિયા તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરશે.
ત્યાર બાદ બંને નેતાઓએ ‘ભારત-સાઉદી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ’ (SPC)ની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી હતી. એસપીસી અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન મોદીએ ઓક્ટોબર 2019માં રિયાધની મુલાકાત લીધી ત્યારે એસપીસીની રચના કરવામાં આવી હતી.
ભારત-સાઉદી અરેબિયાની SPC બે સમિતિઓ ધરાવે છે. આમાં, પ્રથમ સમિતિ ‘રાજકીય-સુરક્ષા-સામાજિક અને સાંસ્કૃતિક સહકાર સમિતિ’ અને બીજી છે ‘અર્થતંત્ર અને રોકાણ સમિતિ’. બંને નેતાઓની આજની બેઠક સપ્ટેમ્બર 2022માં રિયાધમાં યોજાનારી બંને સમિતિઓની મંત્રી સ્તરની બેઠક બાદ થઈ હતી.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાના છે. તેઓ નવી દિલ્હીથી રાત્રે 8.30 કલાકે રવાના થશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સની ભારતની આ બીજી મુલાકાત છે. અગાઉ તેઓ ફેબ્રુઆરી 2019માં ભારતની મુલાકાતે આવ્યા હતા. જી-20માં ભાગ લેવા માટે તેઓ શુક્રવારે ભારત આવ્યા હતા. પીએમ મોદી પણ પોતાના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન ચાર વખત સાઉદી અરેબિયાની મુલાકાત લઈ ચૂક્યા છે.