નેશનલ

UN સુરક્ષા પરિષદમાં સુધારા પર ભારતનું કડક વલણ

G-4 દેશોએ સાથે મળીને ચેતવણી આપી

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાના અભાવ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. G4 જૂથના સભ્ય દેશો – બ્રાઝિલ, જર્મની, જાપાન અને ભારતે ચેતવણી આપી છે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલના સુધારામાં જેટલો લાંબો સમય લાગશે, તેટલા જ તેની અસરો અંગે પ્રશ્નો ઉભા થશે.

આ દેશોએ આંતર-સરકારી વાટાઘાટો (IGN)ની બાબતોમાં અર્થપૂર્ણ સંવાદના સતત અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. G4 દેશો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમને કાયમી સભ્ય બનાવવામાં આવે પરંતુ હજુ સુધી 5 સ્થાયી દેશોએ આ દિશામાં કોઈ પગલું ભર્યું નથી.

યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદમાં હાલમાં રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ અને બ્રિટન કાયમી સભ્યો છે. આ પાંચ સ્થાયી દેશોએ લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારાની દિશામાં કોઇ પગલાં લીધા નથી. હવે G4 દેશો દ્વારા જારી કરવામાં આવેલી સંયુક્ત અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય શાસન માળખાનું ભાવિ વૈશ્વિક હેતુ માટે ફિટ રહેવાની તેમની ક્ષમતા પર આધારિત છે.


યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારા કરવામાં જેટલો લાંબો સમય લાગશે તેટલો જ તેની અસરકારકતા પર પ્રશ્નાર્થ સર્જાશે. સમકાલીન વૈશ્વિક પડકારોને અસરકારક રીતે અને સમયસર સંબોધવામાં સુરક્ષા પરિષદની અસમર્થતા તેમાં વ્યાપક સુધારાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે. G4 દેશોનું માનવું છે કે સુરક્ષા પરિષદને વધુ સહભાગી અને કાર્યક્ષમ બનાવવા માટે સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીઓનો વિસ્તાર કરવો જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button