
નવી દિલ્હી: ભારત દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલની કટોકટીના અહેવાલ વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભારતની નીતિ સ્પષ્ટ કરતા મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત તેની ઉર્જા જરૂરિયાતો માટે કોઈ પણ એક દેશ પર નિર્ભર નથી અને ભવિષ્યમાં પણ આવી નિર્ભરતા રાખવાનો દેશનો કોઈ ઈરાદો નથી. અમેરિકાના દાવાઓ વચ્ચે તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતની ઉર્જા આયાત નીતિ સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતો અને ગ્રાહકોની સુરક્ષા પર આધારિત છે.
વિદેશ સચિવે જણાવ્યું હતું કે ભારત તેની જરૂરિયાતનું 80 થી 85 ટકા તેલ અને ગેસ આયાત કરે છે. એક વિકાસશીલ અર્થતંત્ર તરીકે, ઉર્જાના ભાવમાં વધારો સીધો મોંઘવારી પર અસર કરે છે, તેથી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ભારતીય ગ્રાહકોને યોગ્ય કિંમતે અને વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા ઉર્જા પૂરી પાડવાની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક ઉર્જા બજારમાં સર્જાયેલી અસ્થિરતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારત ડઝનબંધ દેશોમાંથી તેલની આયાત કરે છે અને આ સ્ત્રોતોનું મિશ્રણ બજારની સ્થિતિ મુજબ બદલાતું રહેવું સ્વાભાવિક છે.
તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે તેલની આયાતનો વાસ્તવિક નિર્ણય સરકાર નહીં, પરંતુ જાહેર અને ખાનગી ક્ષેત્રની ઓઈલ કંપનીઓ દ્વારા લેવામાં આવે છે. આ કંપનીઓ ઉપલબ્ધતા, જોખમ, ખર્ચ અને લોજિસ્ટિક્સ જેવા અનેક જટિલ પરિબળોનું વિશ્લેષણ કરીને પોતાની નાણાકીય જવાબદારી મુજબ નિર્ણયો લેતી હોય છે. તેમણે ઉમેર્યું કે ભારત જેટલા વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો ધરાવશે, તેની ઉર્જા સુરક્ષા તેટલી જ વધુ મજબૂત બનશે.
આમ, રશિયા પાસેથી તેલ ખરીદવાનો કે ઘટાડવાનો નિર્ણય કોઈ રાજકીય દબાણ હેઠળ નહીં, પરંતુ વ્યાપારી ગણતરીઓ અને દેશના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. ભારત માત્ર ઉર્જાનો મોટો ગ્રાહક જ નથી, પરંતુ વૈશ્વિક બજારમાં સ્થિરતા લાવનારું એક મહત્વનું પરિબળ પણ છે.



