
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સરહદ પારના આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન સિંદુર લોન્ચ કરીને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનવી ધૂળ ચખાડી હતી. જો કે આ દરમિયાન તુર્કીયે અને અઝરબૈજાન બન્ને પાકિસ્તાનના ભાઈજાન બનીને તેની પડખે ઉભા હતા.
આથી ભારતમાંથી આ બન્ને દેશો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે આ બંન્ને દેશો સામે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની કેન્દ્ર સરકારે શું કાર્યવાહી કરી તે અંગે સરકારે લોકસભામાં આપેલા જવાબથી તમે પણ ચોંકી ઉઠશો.
લોકસભામાં તૃણમુલ કોંગ્રેસના સાંસદ પ્રો. સૌગત રાયએ પ્રશ્ન કર્યો હતો કે શું કેન્દ્ર સરકારે તુર્કીયે કે અઝરબૈજાનની સાથે વેપાર કે પ્રવાસનનો બહિષ્કાર કરવાનો કોઈ નિર્ણય લીધો છે અને જો નાં લીધો હોય તો તેના કારણો શું છે? આ બન્ને દેશો સાથે ભારતના વેપારની સ્થિતિ શું છે?
તુર્કીયે-અઝરબૈજાન સામે સરકારે કોઈ કાર્યવાહી ન કરી
જેના જવાબમાં વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય પ્રધાન જીતીન પ્રસાદે જણાવ્યું હતું કે ભારત સરકારે તુર્કીયે કે અઝરબૈજાનની સાથે વેપાર કે પ્રવાસન પ્રવૃત્તિઓ પર કોઈ રોક કે પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો. જો કે તુર્કીયથી કરવામાં આવતી આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં જે આયાત ૩,૭૮૦ અમેરિકી ડોલર હતી તે ઘટીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૯૫ અમેરિકી ડોલર સુધી પહોંચી ગઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૨-૨૩થી અઝરબૈજાનથી આયાતનું મુલ્ય સામાન્ય રહ્યો છે.
કઈ કઈ વસ્તુઓની આયાત કરવામાં આવી?
તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2024-25 દરમિયાન તુર્કીયેથી આયાત કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાં પેટ્રોલિયમ ક્રૂડ, સોનું, અકાર્બનિક રસાયણો, ગ્રેનાઈટ, કુદરતી પથ્થર અને વિમાન તેમજ અવકાશયાનના ભાગોનો સમાવેશ થાય છે. વર્ષ 2024-25 દરમિયાન અઝરબૈજાનથી આયાત કરવામાં આવતી મુખ્ય વસ્તુઓમાં તૈયાર ચામડું, તબીબી અને વૈજ્ઞાનિક ઉપકરણો, કાચી ચામડી અને ચામડું, ફળ/શાકભાજીના બીજ અને હેન્ડ ટૂલ્સ, ધાતુના કટિંગ ટૂલ્સનો સમાવેશ થાય છે.
વર્ષ 2024-25 દરમિયાન તુર્કીયે સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 8,712 મિલિયન અમેરિકી ડોલર હતો, જ્યારે વર્ષ 2024-25 દરમિયાન અઝરબૈજાન સાથે દ્વિપક્ષીય વેપાર 96.19 મિલિયન અમેરિકી ડોલર હતો.
ભારતની કાર્યવાહી બાદ ઉભા પાકિસ્તાનની પડખે
ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અનેક મુદ્દે કાર્યવાહી કરી હતી. જેમાં સિંધુ જળ સમજુતીની મોકુફી, વિઝા પ્રતિબંધ, વેપાર પ્રતિબંધ સહીતના અનેક મુદ્દાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર કરેલી લશ્કરી કાર્યવાહી બાદ તુર્કીયે અને અઝરબૈજાન બંનેએ પાકિસ્તાનને પડખે ઉભા રહ્યા હતા. વળી અઝરબૈજાનની સરકારે તો ભારતની લશ્કરી કાર્યવાહીની નિંદા કરતું નિવેદન પણ બહાર પાડ્યું હતું અને નાગરિક જાનહાનિ પર ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો…પાકિસ્તાને પહલગામ હુમલાના આતંકી સાથે સબંધને નકાર્યા, કહ્યું દાવા પાયા વિહોણા