ન્યુયોર્ક: કાશ્મીર બાબતે તુર્કી અને પાકિસ્તાનના તાજેતરના નિવેદનો અંગે ભારતે યુનાઇટેડ(UN)ના મંચ પરથી જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે આ તેનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ દેશની દખલ સહન નહીં કરીએ. આ સાથે ભારતે આશા વ્યક્ત કરી હતી કે તુર્કી આગામી સમયમાં આવું નહીં કરે. આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાના પાકિસ્તાનના વલણ પર પણ ભારતે નિરાશા વ્યક્ત કરી હતી.
ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે આ પહેલા પણ પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ આ વખતે તુર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55માં સત્રને સંબોધિત કરતા ભારતના પ્રતિનિધિ અનુપમા સિંહે કહ્યું કે ભારતના આંતરિક મામલામાં તુર્કીની ટિપ્પણીથી અમને સમસ્યા છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ મુદ્દે તુર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.
ભારત પરના આરોપોના જવાબમાં ભારતના પ્રતિનિધિ અનુપમાએ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી અને તુર્કીને ભારતના આંતરિક મામલામાં દખલ ન કરવાની ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે એક એવો દેશ કે જેણે પોતાની લઘુમતીઓ પર થતા જુલમને સંસ્થાકીય બનાવ્યું છે. આનું ઉદાહરણ ઓગસ્ટ 2023 માં પાકિસ્તાનના જરાનવાલામાં લઘુમતી ખ્રિસ્તી સમુદાય સામે મોટા પાયે નિર્દયતા હતી, જ્યારે 19 ચર્ચનો નાશ કરવામાં આવ્યો હતો અને 89 ખ્રિસ્તી ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. આતંકવાદીઓને આશ્રય આપતો અને સમર્થન આપતો દેશ ભારત પર ટિપ્પણી કરવી એ દરેક માટે વિરોધાભાસ છે.
અનુપમા સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સામાજિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે બંધારણીય પગલાં લીધાં છે. આ ભારતની આંતરિક બાબતો છે અને અમે તેમાં કોઈની દખલગીરી સહન નહીં કરીએ.