રશિયા સાથે ભારતના સંબંધો મજબુત થતા ભારત-અમેરિકા સંબંધોમાં તિરાડ પડશે?…પેન્ટાગોને આપ્યું મહત્વનું નિવેદન
નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાના સત્તાવાર પ્રવાસે (PM Modi’s Russia Visit) ગયા હતા, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) સાથે બેઠક કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રે ભાગીદારી વધારવા સમજૂતીઓ થઇ હતી. ભારત અને રશિયા વચ્ચે મજબુત થઇ રહેલા સંબધોને કારણે અમેરિકા સાથેના ભારતના સંબધોમાં તિરાડ પડે એવી ચર્ચા છે. યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટ અગાઉ નારાજગી વ્યક્ત કરી ચુક્યું છે, ત્યારે હવે પેન્ટાગોને પણ નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી અને મોસ્કો વચ્ચે વધતી જતી મિત્રતાએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી અંગે પણ ચિંતાઓ ઊભી કરી હતી. વડા પ્રધાન મોદીની રશિયા મુલાકાત બાદ હવે અમેરિકાએ ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને અંગે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે. અમેરિકાના જો બાઈડેન પ્રશાસને કહ્યું છે કે રશિયા સાથેના સંબંધો અંગે ચિંતા હોવા છતાં ભારત વોશિંગ્ટનનું વ્યૂહાત્મક ભાગીદાર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા સમિટ માટે મોસ્કોની બે દિવસીય મુલાકાતે ગયા હતા. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ દમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડા પ્રધાન મોદીની બેઠક પર પશ્ચિમી દેશોની નજર હતી. મંગળવારે પુતિન સાથે વાત કરતા મોદીએ તેમને કહ્યું કે યુક્રેન સંઘર્ષનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શક્ય નથી અને બોમ્બ અને બંદૂકો વચ્ચે શાંતિના પ્રયાસો સફળ થતા નથી.
એવામાં અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્યાલય પેન્ટાગોનના પ્રવક્તા અને વિદેશ વિભાગે મંગળવારે રશિયા સાથે ભારતના સંબંધો અને મોદીની મોસ્કો મુલાકાતને લગતા પ્રશ્નોના અલગ-અલગ જવાબ આપ્યા.
પેન્ટાગોને આપ્યું આવું નિવેદન….
વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાત કરતા પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે કહ્યું, “ભારત અને રશિયા વચ્ચે લાંબા સમયથી સંબંધ છે. યુએસના પરિપ્રેક્ષ્યમાં, ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે. રશિયા સાથેના ભારતના મજબુત સંબંધો હોવા છતાં અમે ભારત સાથે પૂર્ણ અને સ્પષ્ટ વાતચીત ચાલુ રાખીશું. આ અઠવાડિયે નાટો સમિટ સાથે સંબંધિત હોવાથી, ચોક્કસપણે દુનિયાની નજર તેના પર કેન્દ્રિત છે. ]
બીજી તરફ, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે રશિયા સાથેના ભારતના સંબંધો અંગેની ચિંતાઓ વિશે યુએસ ખૂબ સ્પષ્ટ છે. મે વ્યક્તિગત રીતે અમારી ચિંતાઓ સીધી ભારત સરકાર સમક્ષ વ્યક્ત કરી છે. આમાં કોઈ ફેરફાર થયો નથી.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે જ્યારે યુક્રેનની વાત આવે છે, ત્યારે ભારત સહિત તમામ દેશો સ્થાયી અને ન્યાયીક શાંતિની અનુભૂતિ કરવાના પ્રયાસોને સમર્થન આપે તે મહત્વપૂર્ણ છે. અમારા તમામ ભાગીદારો એ સમજવું મહત્વપૂર્ણ છે. એ પણ માનીએ છીએ કે રશિયા સાથેના ભારતના લાંબા ગાળાના સંબંધો તેને રાષ્ટ્રપતિ પુતિનને તેમના ક્રૂર યુદ્ધ, યુક્રેનમાં ઉશ્કેરણી વિનાનું યુદ્ધ સમાપ્ત કરવા વિનંતી કરવાની ક્ષમતા આપે છે.