‘ધાર્મિક સ્વતંત્રતા’ મુદ્દે અમેરિકન સંસ્થાના રિપોર્ટને ભારત સરકારે આપ્યો જડબાતોડ જવાબ
ફરી યુએસ સીઆઈઆરએફે કર્યાં પક્ષપાતપૂર્ણ આરોપો, ભારત સરકારે કરી નાખી સ્પષ્ટતાઓ

નવી દિલ્હીઃ ભારત સરકારે અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા પંચ (યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ – યુએસસીઆઈઆરએફ)ના રિપોર્ટને ફગાવી દીધો છે, જ્યારે સરકારે કહ્યું છે કે યુએસસીઆઈઆરએફ ધાર્મિક સ્વતંત્રતા માટે ચિંતિત જોવા મળતી નથી, પરંતુ અમુક બાબતને ખોટી રીતે રજૂ કરીને ભારતની છબિ ખરડાવવાની કોશિશ કરી રહ્યું છે. સરકારે સંસ્થાની કામગીરી પર સવાલ ઊઠાવતા કહ્યું હતું કે યુએસસીઆઈઆરએફે પોતે ચિંતા કરવાનું જરુરી છે કે શું કરી રહ્યું છે. અમેરિકન સંસ્થાના રિપોર્ટમાં ભારતની ગુપ્તચર એજન્સી (રો) પર હત્યાના ષડયંત્રમાં કથિત ભૂમિકાને લઈ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Bangladesh માં હિંદુઓ પરના હુમલાનો પડધો બ્રિટિશ સંસદમાં, કહ્યું ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી
નવો રિપોર્ટ પક્ષપાતપૂર્ણ અને રાજકીય પ્રેરિત
વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં જણાવ્યું છે કે લોકશાહી અને સહિષ્ણુતાના પ્રતીક રુપે ભારતની છબિને ખરડાવવાનો પ્રયાસ સફળ થશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે યુએસસીઆઈઆરએફનો નવો રિપોર્ટ પક્ષપાતવાળો અને રાજકીય પ્રેરિત કરનારો છે.
જાણી જોઈને ચલાવાતા એજન્ડાનો કરે છે નિર્દેશ
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે યુએસસીઆઈઆરએફ દ્વારા અલગ અલગ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવા અને ભારતની વાઈબ્રન્ટ મલ્ટિકલ્ચરલ સોસાયટી પર શંકા વ્યક્ત કરવાના નિરંતર પ્રયાસ અને ધાર્મિક સ્વતંત્રતા માટે વાસ્તવિત ચિંતા કરવાને બદલે જાણી જોઈને કરવામાં આવતા એજન્ડાનો નિર્દેશ કરે છે. સરકારે જણાવ્યું છે કે વાસ્તવમાં યુએસસીઆઈઆરએફે પોતે તેના માટે ચિંતા વ્યક્ત કરવી જોઈએ.
ધાર્મિક સ્વતંત્રતાના રિપોર્ટમાં શું કહ્યું છે?
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચના 2025ના રિપોર્ટમાં જણાવ્યું છે કે 2024માં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હુમલા અને ભેદભાવમાં વધારો થયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણી વખતે મુસલમાનો અને અન્ય લઘુમતી કોમના સમુદાયો વિરુદ્ધ તિરસ્કારપૂર્ણ નિવેદનનો પ્રચાર કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
‘રો’ પર અલગાવવાદીઓની હત્યામાં સામેલનો આરોપ
આ ઉપરાંત, રો (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) શિખ અલગાવવાદીઓની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે તેના પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. અમેરિકન પેનલે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને ભારતને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે વિશેષ ચિંતાવાળા દેશ જાહેર કરવાની ભલામણ કરી છે. આ દાવાઓ અંગે ભારત સરકારે કહ્યું હતું કે 140 કરોડની વસ્તીવાળા ભારતમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે, પરંતુ યુએસસીઆઈઆરએફ ક્યારેય સ્વીકારશે નહીં કે આટલી વિવિધતાઓ પછી પણ ભારતમાં લોકો સાથે મળીને રહે છે.
2024માં પણ સંસ્થાએ લગાવ્યા હતા આરોપો
જૂન 2024માં પણ અમેરિકાએ આ પ્રકારના આરોપો કર્યા હતા જેનો ભારત સરકારે કટ્ટર શબ્દોમાં જવાબ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે બહાર પાડવામાં આવેલા રિપોર્ટની ભારતી ટીકા કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ અગાઉ પણ ભારત સરકારે અમેરિકાના રિપોર્ટને પક્ષપાતી ગણાવ્યો હતો. સરકારે પણ ભારત વિરુદ્ધના પૂર્વગ્રહયુક્ત નિવેદનોને જાણી જોઈને આગળ વધારવા માટે અમુક ઘટનાઓને સામેલ કરી હોવાનું જણાવ્યું હતું.