નેશનલ

ભારતીયોએ 2022માં વિદેશમાંથી 111 અબજ ડોલર સ્વદેશ મોકલ્યા

નવી દિલ્હી: યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીએ કહ્યું કે ભારતે 2022માં 111 બિલિયન ડોલરનું રેમિટન્સ મેળવ્યું હતું, જે વિશ્વમાં સૌથી વધુ છે અને આ સાથે જ ભારત 100 બિલિયન ડોલરના આંકડા સુધી પહોંચનાર અને તેને વટાવનાર પ્રથમ દેશ બની ગયો છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) એ મંગળવારે જાહેર કરેલા તેના વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ, 2024માં જણાવ્યું હતું કે 2022માં રેમિટન્સ મેળવનારા ટોચના પાંચ દેશોમાં ભારત, મેક્સિકો, ચીન, ફિલિપાઇન્સ અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.

રેમિટન્સ એટલે વિદેશમાં વસતા લોકો દ્વારા જે તે દેશમાં કરવામાંઆવતી કમાણી સ્વદેશમાં મિત્રો અને સંબંધીઓને કરવામાં આવેલી નાણાકીય અથવા અન્ય પ્રકારની ટ્રાન્સફર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત બાકીના દેશોમાં ટોચ પર છે અને તેને 111 બિલિયન ડોલરથી વધુની રકમ મળી છે, જેની સાથે તે 100 બિલિયન ડોલરના આ આંકડા સુધી પહોંચનાર અને તેને પાર કરનારો પહેલો દેશ બની ગયો છે.

મેક્સિકો 2022 માં રેમિટન્સનો બીજો સૌથી મોટો પ્રાપ્તકર્તા દેશ હતો. તેણે ચીનને પાછળ છોડીને 2021માં આ સ્થાન હાંસલ કર્યું હતું. આ પહેલા, ચીન ભારત પછી ઐતિહાસિક રીતે રેમિટન્સ મેળવનાર બીજો સૌથી મોટો દેશ છે, જે 2010 (53.48 બિલિયન ડોલર), 2015 (68.91 બિલિયન ડોલર) અને 2020 (83.15 બિલિયન ડોલર) રેમિટન્સ રૂપે મેળવનાર ટોચનો દેશ હતો.

તેણે 2022માં 111.22 ડોલર બિલિયનના રેમિટન્સ મળ્યા હતા. દક્ષિણ એશિયાના ત્રણ દેશો, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવામાં આવેલા રેમિટન્સના ટોચના 10 પ્રાપ્તકર્તાઓમાં હતા, જે ઉપપ્રદેશમાંથી મજૂર સ્થળાંતરના મહત્વને પ્રતિબિંબિત કરે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ 2022 માં અનુક્રમે 30 બિલિયન ડોલર અને 21.5 બિલિયન ડોલર સાથે રેમિટન્સમાં છઠ્ઠા અને આઠમા સ્થાને રહ્યા હતા.

રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ સ્થળાંતર કરનારા ભારતીય મૂળના લોકો છે, જેમની કુલ સંખ્યા દેશની કુલ વસ્તીના લગભગ 1.3 ટકા અથવા 1.8 કરોડ છે. તેની મોટાભાગની વિદેશી વસ્તી યુએઈ, અમેરિકા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button