નીતિ આયોગે આપ્યા સારા સમાચાર, દેશમાં ગરીબી ઘટી, સમૃદ્ધિ વધી
નવી દિલ્હીઃ નીતિ આયોગે એવા રાહતના સમાચાર આપ્યા છે કે દરેક દેશવાસીઓને એ જાણીને આનંદ થશે. ભારતીય અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે. દેશમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે. નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે તાજેતરના ઘરગથ્થુ ઉપભોક્તા ખર્ચ સર્વેમાંથી માહિતી મળી છે કે ભારતનું ગરીબી સ્તર 5 ટકાથી નીચે આવી ગયું છે અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લોકો વધુ સમૃદ્ધ બની રહ્યા છે.
ગરીબીનું સ્તર વપરાશના ખર્ચના સ્તરના આધારે નક્કી કરવામાં આવે છે. નીતિ આયોગના સીઈઓ બી.વી.આર. સુબ્રમણ્યમે રવિવારે જણાવ્યું હતું કે તાજેતરના ઘરગથ્થુ ઉપભોક્તા ખર્ચ સર્વે દર્શાવે છે કે ભારતનું ગરીબી સ્તર 5 ટકાથી નીચે આવી ગયું છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લોકો વધુ સમૃદ્ધ બની રહ્યા છે. બી.વી.આર. સુબ્રમણ્યમે નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (એનએસએસઓ) દ્વારા શનિવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા આંકડા પરથી આ દાવો કર્યો છે, જે અનુસાર, 2011-12ની સરખામણીમાં 2022-23માં માથાદીઠ માસિક ઘરગથ્થુ ખર્ચ બમણાથી વધુ થયો છે, જે દેશમાં સમૃદ્ધિના વધતા સ્તરને દર્શાવે છે.
આંકડા દર્શાવે છે કે વર્ષ 2011-12માં ખોરાક પર ખર્ચ 53 ટકા હતો જે 2022-23માં ઘટીને 46.4 ટકા થયો છે. નવીનતમ ડેટા દર્શાવે છે કે ઘરગથ્થુ વપરાશમાં તીવ્ર ફેરફાર થયો છે, જ્યાં ખોરાક અને અનાજનો હિસ્સો ઘટ્યો છે. આ આંકડાઓને ટાંકીને સુબ્રમણ્યમે કહ્યું હતું કે આનો અર્થ એ છે કે લોકો વધારાની આવક સાથે સમૃદ્ધ બની રહ્યા છે. આ વધેલી સમૃદ્ધિ સાથે તેઓ ખોરાક સિવાય અન્ય વસ્તુઓ પર વધુ ખર્ચ કરી રહ્યા છે. ખોરાકમાં પણ તેઓ વધુ દૂધ પીએ છે, ફળો અને વધુ શાકભાજી ખાય છે. રિપોર્ટ અનુસાર રેફ્રિજરેટર, ટીવી, મેડિકલ કેર અને ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રોમાં ખર્ચમાં વધારો થયો છે. જ્યારે, અનાજ અને કઠોળ પરના ખર્ચમાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, સર્વે દર્શાવે છે કે વર્તમાન ભાવે ગ્રામીણ વિસ્તારોમાં માથાદીઠ વપરાશ ખર્ચ 2011-12માં 1430 રૂપિયાથી વધીને 2022-2023માં 3772 રૂપિયા થઈ ગયો છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં તે 2011-12માં 2630 રૂપિયા હતો. 2022-23માં તે 146 ટકા વધીને 6459 રૂપિયા થઈ ગયો છે.
સર્વેને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં માસિક વપરાશમાં ખોરાકનો હિસ્સો 2011-12માં 53 ટકાથી ઘટીને 2022-23માં 46.4 ટકા થઈ ગયો છે. તે જ સમયે, બિન-ખાદ્ય ખર્ચ 47.15 ટકાથી વધીને 54 ટકા થયો છે. શહેરી વિસ્તારોના આંકડા સમાન સંકેતો આપી રહ્યા છે. ખાદ્યપદાર્થો પરનો ખર્ચ 43 ટકાથી ઘટીને 39.2 ટકા અને બિન-ખાદ્ય ખર્ચ 57.4 ટકાથી વધીને 60.8 ટકા થયો છે.
2014 માં, ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નર સી રંગરાજનની આગેવાની હેઠળની એક પેનલે અંદાજિત ગરીબી રેખા જણાવી હતી. જે મુજબ શહેરી વિસ્તારોમાં પ્રતિ માસ રૂ. 1407ના માથાદીઠ ખર્ચ અંદાજિત ગરીબી રેખા હેઠળ આવતો હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ આંકડો 972 રૂપિયા હતો. હવે તાજેતરના આંકડા દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં 5-10 ટકા વસ્તીનો સરેરાશ માસિક વપરાશ ખર્ચ રૂ. 1864 અને શહેરી વિસ્તારોમાં રૂ. 2695 છે.