Passport Ranking: France જાળવી રાખ્યું પહેલુ સ્થાન, પણ ભારતનું રેન્કિંગ ગગડયું

નવી દિલ્હીઃ કોઈ પણ દેશનો પાસપોર્ટ Passport તે દેશની વિશ્વમાં થતી ઓળખનું એક પ્રકારે પ્રમાણપત્ર હોય છે. વિશ્વના પાસપોર્ટનું રેકિંગ બહાર પડે છે. કોઈ પણ દેશનો પાસપોર્ટ લઈને તમે કેટલા દેશોમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકો છે તેના આધારે જે તે દેશના પાસપોર્ટનું રેકિંગ નક્કી થાય છે. આ રેંકિંગ બહાર પડી ગયું છે, પરંતુ ભારતનું સ્થાન ગયા વર્ષ કરતા નીચે ગયું છે, જે આપણા સૌ માટે દુખની વાત છે. જોકે આમ જોઈએ તો આપણને બે દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી છે. આ રેકિંગમાં ફ્રાન્સે પોતાનો ટોચનો ક્રમ જાળવી રાખ્યો છે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024માં ફ્રાન્સે પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. ફ્રેન્ચ પાસપોર્ટ ધારકો 194 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતાઈ દર્શાવે છે કે તે સોફ્ટ પાવર તરીકે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે.
ફ્રાન્સની સાથે સાથે જર્મની, ઈટલી, જાપાન, સિંગાપોર અને સ્પેન ટોચના સ્થાને છે. હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન 193 વિઝા મુક્ત સ્થળો સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રિયા 192 વિઝા ફ્રી ડેસ્ટિનેશન સાથે ત્રીજા સ્થાને છે.
ગયા વર્ષની સરખામણીમાં 2024માં ભારતના પાસપોર્ટમાં એક સ્થાનનો ઘટાડો થયો છે. ગયા વર્ષે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત 84માં ક્રમે હતું, પરંતુ આ વર્ષે તે 85માં સ્થાને આવી ગયું છે.
રેન્કિંગમાં ભારતનો ઘટાડો થોડો આશ્ચર્યજનક છે, કારણ કે ગયા વર્ષે, જ્યારે ભારતીય પાસપોર્ટ ધારકો 60 દેશમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, ત્યારે આ વર્ષે વિઝા મુક્ત દેશોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે.
તાજેતરમાં ઈરાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. ભારતીય પ્રવાસીઓ 15 દિવસ માટે ઈરાનમાં વિઝા-મુક્ત પ્રવાસનો લાભ લઈ શકે છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રી લંકા પણ તે દેશોમાં સામેલ છે જેમણે થોડા સમય પહેલા ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના રેન્કિંગની વાત કરીએ તો ગયા વર્ષની જેમ આ વખતે પણ તે 106માં સ્થાને છે. ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ ગયા વર્ષની સરખામણીમાં એક સ્થાન નીચે 101માથી 102મા ક્રમે આવી ગયો છે.
ભારતના બીજા એક પડોશી દેશ માલદીવનો પાસપોર્ટ પહેલા જેવો જ મજબૂત છે. માલદીવિયન પાસપોર્ટ 58માં ક્રમે છે અને માલદીવિયન પાસપોર્ટ ધારકો 96 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં ચીનના પાસપોર્ટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે ચીનનો પાસપોર્ટ વર્ષ 2023માં 66મા સ્થાને હતો, ત્યારે આ વર્ષે તે બે પોઈન્ટના ઉછાળા સાથે 64મા સ્થાને આવી ગયો છે. આ સાથે અમેરિકાનો પાસપોર્ટ પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મજબૂત બન્યો છે. ગયા વર્ષે અમેરિકા સાતમા સ્થાને હતું પરંતુ આ વર્ષે તે છઠ્ઠા સ્થાને આવી ગયું છે.
હેનલી પાસપોર્ટ રેન્કિંગમાં અફઘાનિસ્તાન સૌથી નીચેના સ્થાને રહ્યું છે. તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ 28 વિઝા ફ્રી ડેસ્ટિનેશન સાથે સૌથી નીચે એટલે કે 109મા ક્રમે છે.
એક અહેવાલના જણાવ્યા અનુસાર ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (IATA)ના એક્સક્લુઝિવ ડેટાના આધારે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ તેના પ્રકારનો એકમાત્ર ઈન્ડેક્સ છે. ઇન્ડેક્સમાં 199 જુદા જુદા પાસપોર્ટ અને 227 વિવિધ પ્રવાસ સ્થળોનો સમાવેશ થાય છે.
આ સાથે વર્ષ 2006માં લોકો સરેરાશ 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકતા હતા, પરંતુ આ વર્ષે આ સંખ્યા લગભગ બમણી થઈને 111 દેશો થઈ ગઈ છે, તેમ પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.