ઓપરેશન સિંદૂર: શહીદી અને ફરજની ભાવનાને સલામ

મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ સમયે સોશિયલ મીડિયા પર લડવૈયાઓ ભારે બોમ્બમારો કરતા હતા. સિઝફાયર થયું ત્યારે પણ કહેવાવાળા છે કે કેમ રોક્યું. પાકિસ્તાનને તો પતાવી જ નાખવાનું હતું. આ બધુ ઘરે એરકન્ડિશન્ડ રૂમમાં બ્રેકફાસ્ટ કે બ્રંચ લેતા લેતા કહેવાનું ઘણું સહેલું છે, પરંતુ જે સરહદ પર જાય છે અને જે જવાનો અને તેમના પરિવારની મનઃસ્થિતિ સમજીએ ત્યારે ખબર પડે કે યુદ્ધ કેટલું ભયાનક હોય છે. તાજેતરમાં થયેલા ઑપરેશન સિંદૂરમાં ભારતના બે જવાનો શહીદ થયા છે ત્યારે એવા કેટલાય પરિવારો છે જેમના સંતાનો અચાનક બધુ જ બાજુએ મૂકીને મા ભારતીની રક્ષા કાજે દોડ્યા છે. સ્થિતિ વણસતા ભારત સરકારે જવાનોની તમામ રજાઓ રદ કરી તેમને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા કહ્યું હતું. ત્યારે મહારાષ્ટ્રના આ જવાનોમાંથી એકના તો લગ્ન બાજુએ ઠેલાયા અને ત્યારે એકની પત્નીએ મહેંદીવાળા હાથે પતિના હાથમાં બંદુક આપી. જાણો આ જવાનોના જીવન વિશે.
સ્વપ્નીલના લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી
નાલગીરના સૈનિક સ્વપ્નિલ અશોક ગાયકવાડ આઠ વર્ષથી શ્રીનગર સરહદ પર છે. સ્વપ્નીલના લગ્ન રવિવારે જલકોટ તાલુકાના ધામણગાંવની છોકરી સપના તોગરે સાથે થવાના હતા. લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. બન્ને પક્ષે ધામધૂમનો માહોલ હતો. ઢોલ-શરણાઈના સૂરો, મહેંદી અને હલ્દી કુમકમની મહેક વચ્ચે સ્વપ્નીલને કૉલ આવ્યો કે બોર્ડર પર હાજર રહેવાનું છે. લગ્નને એકાદ દિવસની જ વાર હતી, પણ સ્વપ્નીલે ફરજ પર હાજર રહેવા માટે લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય કર્યો અને સપનાને ફરી આવવાનું વચન આપી શ્રીનગરની સરહદ પર જવા નીકળી ગયો.
પત્નીએ મહેંદીવાળા હાથે જ આવજો કહ્યું
આ વાત છે સોલાપુરના સાંગલાના યોગેશ અલ્દારની. ભારતીય સેનાના જવાન યોગેશ અલ્દાર છ દિવસ પહેલા જ પરણ્યો. ઘરમાં હજુ લગ્નનો જ માહોલ હતો અને પત્નીના હાથની મહેંદી અને યોગેશની પીઠી ઉતરી ન હતી. ત્યાં જ આદેશ આવ્યો કે રજાઓ રદ થઈ છે અને ફરજ પર હાજર થાઓ. દેશમાં યુદ્ધની કેવી સ્થિતિ છે તે પરિવારને ખબર હતી. હજુ છ દિવસ પહેલા જ સેથીમાં સિંદૂર પુરાવી આવેલી નવવધુના પતિએ ઑપરેશન સિંદૂર માટે મોરચો સંભાળવાનો હતો. ફળ વેચતા પિતાનો દીકરો યોગેશ 2019માં સેનામાં જોડાયો અને હાલમાં રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી ટેન્ક ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યો છે. બધાએ રડતી આંખોએ તેને વિદાય આપી, પણ સાથે અભિમાન પણ હતું. પત્નીએ મહેંદીવાળા હાથે આવજો કહ્યું. આ પત્નીના મનોભાવો આપણે શબ્દોમાં લખી શકીએ તેમ નથી.
આપણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં કેટલાય દિવસ બાદ શાંતિઃ લોકોએ રાહતની ઊંઘ લીધી
આ માજી સૈનિકે આ રીતે દેશરક્ષામાં આપ્યું યોગદાન
ઘરે બેઠા બેઠા સૈનિકોને પાનો ચડાવતા અને સોશિયલ મીડિયામાં સલામ ઠોકતા આપણે માત્ર બ્લેકઆઉટની જાહેરાતથી પણ ડરી જઈએ છીએ. હજુ તો યુદ્ધ જાહેર થયું ન હતું, પણ લોકોએ તો ઘરમાં વસ્તુઓ ભરવા માટે લાઈનો લગાવી હતી. ત્યારે માજી સૈનિક પ્રવિણ પાટીલે જે કર્યુ તે ઉદાહરણરૂપ છે. રવિવારે પ્રવિણની દીકરી પ્રિયંકાની સગાઈ હતી. આ સગાઈમાં લોકોએ આપેલી ભેટરૂપે એક લાખ રૂપિયા આવ્યા. કોઈ વિચાર ન કરતા પ્રવિણે આ રૂપિયા સશસ્ત્ર સેના ધ્વજદિન નિધિમાં પોતાની ઈચ્છાએ આપી દીધા. આ રૂપિયા મારા સૈનિકભાઈઓને કામ આવશે તેવી પ્રવિણની ભાવના સામે આપણે ઝૂકવુ જ પડે. દેશરક્ષા માટે માત્ર યુનિફોર્મ પહેરવો જરૂરી નથી, તે પ્રવિણ પાટીલે સમજાવ્યું.