ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીએ સેનાના ત્રણેય વડા સાથે બે કલાક કરી મીટિંગ, ડોભાલ-રાજનાથ સિંહ પણ રહ્યા હાજર

નવી દિલ્હીઃ ભારત – પાકિસ્તાન શનિવારે યુદ્ધવિરામ માટે સહમત થયા હતા. પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને પોત પ્રકાશતાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આજે દિલ્હીમાં વડા પ્રધાન નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય મીટિંગ મળી હતી. જેમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહ્યા હતા. આશરે બે કલાક ચાલેલી આ મીટિંગમાં તમામે પીએમ મોદીને વર્તમાન સ્થિતિથી વાકેફ કર્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી ચાલી રહેલા અઘોષિત યુદ્ધને શનિવારે અમેરિકાની મધ્યસ્થી બાદ વિરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને નિયમોનો ભંગ કરી ડ્રોન હુમલો અને ગોળીબારી કરી યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. હવે ભારતીય વાયુસેનાએ મોટું નિદેવન આપ્યું છે. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. અમે આ વિશેની વિગતો આપીશું. આ સાથે તેમણે કોઈપણ ખોટા અહેવાલો કે અફવાઓને ન માનવાની પણ અપીલ કરી હતી.

યુદ્ધવિરામ શું છે

યુદ્ધવિરામ એટલે યુદ્ધમાં સામેલ પક્ષો વચ્ચે લડાઈને કામચલાઉ ધોરણે રોકવા માટે થયેલો કરાર. આ કરાર અમુક ચોક્કસ સમયગાળા માટે અથવા કોઈ ચોક્કસ શરતો પૂરી થાય ત્યાં સુધી લડાઈને સ્થગિત કરે છે. યુદ્ધવિરામ એ કાયમી શાંતિ કરાર નથી હોતો. તે માત્ર લડાઈને થોડા સમય માટે અટકાવે છે. ઘણી વખત યુદ્ધવિરામ નિષ્ફળ પણ જાય છે અને લડાઈ ફરીથી શરૂ થઈ શકે છે. જો કે, તે શાંતિ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે, કારણ કે તે વાટાઘાટો માટે સમય અને તક આપે છે.

આપણ વાંચો:  ભારતની બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના 11 એરબેઝનો બોલાવી દીધો કચ્ચરઘાણ, જુઓ લિસ્ટ

શું હતો ઘટનાક્રમ

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના 15 દિવસ પછી, ભારતે 7-8 મે ની રાત્રે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતે આ હવાઈ હુમલાને પહલગામ આતંકવાદી હુમલા પછીની કાર્યવાહી ગણાવી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને દેશ પર હુમલો ગણાવ્યો અને સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને સતત ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો હતો. શનિવારે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા, પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button