ભારત અને પાકિસ્તાનના DGMO હવે કઈ વાત પર થયા સહમત, વિગતવાર જાણો?

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના ડાયરેકટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (DGMO) વચ્ચે 10 મેના રોજ વાત થયા બંને દેશો સરહદ પર તણાવ ઘટાડવા સહમત થયા હોવાનું ભારતીય સેનાએ ગુરુવારે જણાવ્યું હતું.
ભારત-પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે છેલ્લે 12 મેના રોજ વાતચીત થઈ હતી. જેમાં તમામ સૈન્ય કાર્યવાહી રોકવા માટે યુદ્ધવિરામ પર સહમત થયા હતા. પાકિસ્તાને કહ્યું હતું કે, તેઓ સરહદ પર ગોળીબાર નહીં કરે. બંને પક્ષોમાંથી કોઈએ પણ ગોળીબાર ન કરવો જોઈએ. એકબીજા સામે આક્રમક તથા શત્રુતાપૂર્ણ કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ.
સેના મુજબ, ભારત અને પાકિસ્તાન સરહદ પર સૈનિકોની સંખ્યા ઘટાડવા પણ સહમત થયા હતા. બંને પક્ષ તરફથી ગોળીબા અને હવાઈ હુમલા બંધ થયા બાદ આ વાતચીત ઘણી મહત્ત્વની હતી.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો જશ ખાટ્યા બાદ ટ્રમ્પનો યુટર્ન, મધ્યસ્થીના દાવામાં કરી પીછેહઠ
ઓપરેશન સિંદૂરમાં ભારતની સફળ કાર્યવાહી બાદ પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું અને 10 મેના રોજ યુદ્ધવિરામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો ભારતે પોતાની શરતો પર સ્વીકાર કર્યો હતો. ભારતના ડીજીએમઓ લેફ્ટિનેંટ જનરલ પાકિસ્તાન સાથે સૈન્ય સ્તરની વાતચીતમાં સામેલ થયા હતા. પાકિસ્તાન તરફથી ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાહ ઉપસ્થિત રહ્યા હતા.
યુદ્ધવિરામ શું છે
યુદ્ધવિરામ એટલે યુદ્ધમાં સામેલ પક્ષો વચ્ચે લડાઈને કામચલાઉ ધોરણે રોકવા માટે થયેલો કરાર. આ કરાર અમુક ચોક્કસ સમયગાળા માટે અથવા કોઈ ચોક્કસ શરતો પૂરી થાય ત્યાં સુધી લડાઈને સ્થગિત કરે છે. યુદ્ધવિરામ એ કાયમી શાંતિ કરાર નથી હોતો. તે માત્ર લડાઈને થોડા સમય માટે અટકાવે છે. ઘણી વખત યુદ્ધવિરામ નિષ્ફળ પણ જાય છે અને લડાઈ ફરીથી શરૂ થઈ શકે છે. જો કે, તે શાંતિ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
ઓપરેશન સિંદૂરનો શું હતો ઘટનાક્રમ
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના 15 દિવસ પછી, ભારતે 7-8 મે ની રાત્રે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતે આ હવાઈ હુમલાને પહલગામ આતંકવાદી હુમલા પછીની કાર્યવાહી ગણાવી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને દેશ પર હુમલો ગણાવ્યો અને સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને સતત ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો હતો. 10 મે ના રોજ બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા, પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો.