ભારતનું પાકિસ્તાનને કડક વલણ: સીઝફાયર કાયમી, ભંગ કરશો તો પરિણામ ભોગવશો...

ભારતનું પાકિસ્તાનને કડક વલણ: સીઝફાયર કાયમી, ભંગ કરશો તો પરિણામ ભોગવશો…

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નાબૂદ કરવા માટે ટે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવની પરિસ્થિતિ બાદ 10 મેના રોજ સીઝફાયર પર સહમતિ બની હતી, જે હાલમાં પણ યથાવત છે. બંને દેશનાં ડીજીએમઓ વચ્ચે ગયા સપ્તાહે લશ્કરી કાર્યવાહી રોકવા અંગે સમજૂતી થઈ હતી. આ અંગે ભારતીય સેનાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે સીઝફાયરની કોઈ ડેડલાઇન નથી અને જો તેનું ઉલ્લંઘન થશે તો મુશ્કેલી સર્જાશે.

18 મે યુદ્ધવિરામની તારીખ? મીડિયામાં દાવો
ભારતીય સેનાની આ સ્પષ્ટતા એ મીડિયા અહેવાલો બાદ સામે આવી હતી કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને સેનાઓ વચ્ચે યુદ્ધવિરામ રોકવા અંગેની સહમતિ આજે સાંજે સમાપ્ત થઈ રહી છે અને 18મી તારીખે બંને દેશોના મહાનિર્દેશકો વચ્ચે વાતચીત થશે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ 12 મેના રોજ તમામ લશ્કરી કાર્યવાહીને રોકવા પર સહમતિ વ્યક્ત કરી હતી. આ સહમતિ મુખ્યત્વે બે દિવસ માટે બની હતી, જ્યારે બંને દેશોના ડીજીએમઓએ 10 મેના રોજ હોટલાઇન પર વાતચીત કરી હતી.

સિઝફાયર માટે કોઇ સમાપ્તિ તારીખ નથી
ભારતીય સેનાએ રવિવારે એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું હતું કે, જ્યાં સુધી 12 મેના રોજ ડીજીએમઓની વાતચીતમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર સીઝફાયર પર બનેલી સહમતિનો સવાલ છે, તો તેની કોઈ સમાપ્તિ તારીખ નથી. મીડિયામાં જેવો દાવો કરવામાં આવી રહ્યો છે તેવી કોઇ ડીજીએમઓ સાથે વાતચીત થવાની નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ પર સહમતિ બની હતી. ચાર દિવસ સુધીની કાર્યવાહીમાં બંને દેશોની સ્થિતિ યુદ્ધ સુધી પહોંચે તેવી આશંકા સેવાઇ રહી હતી.

એક સ્થાપિત વ્યવસ્થા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે બનેલી સહમતિ બાદ બનેલી વ્યવસ્થા હેઠળ દર મંગળવારે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે હોટલાઇન દ્વારા વાતચીત થાય છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે મંગળવારે એટલે કે 20 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરને લઈને આગામી રાઉન્ડની ચર્ચા થઈ શકે છે.

આપણ વાંચો : પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આખરી સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂરખાન એરબેઝને ભારે નુકસાન

Back to top button