
નવી દિલ્હી: પાકિસ્તાને ભારતના જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના વિસ્તારમાં મોટા પાયે ફાઈટર પ્લેન, ડ્રોન અને રોકેટ વડે હુમલો શરુ કર્યો છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને નિષ્ફળ બનાવી રહી છે, પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવી શકે છે, અહેવાલ મુજબ ભારતના ફાઈટર જેટ જમ્મુ કાશ્મીરથી ઉડ્યા છે.
વડાપ્રધાન મોદીને જવાબી કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી છે. એવામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના વડાઓ સાથે સંપર્કમાં છે.
પાકિસ્તાનના હુમલા નિષ્ફળ રહ્યા છે એવામાં ભારતીય સેનાએ લાહોર પર ડ્રોન હુમલો કર્યો છે. ભારતીય સેના દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આ કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.
જમ્મુમાં બ્લેકઆઉટ બાદ હવે વીજપુરવઠો ફરી શરુ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર મિસાઇલ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
માર્કો રુબિયોએ એસ જયશંકર સાથે વાત કરી:
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ એસ જયશંકર સાથે વાત કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું, ‘સેક્રેટરી માર્કો રુબિયોએ આજે ભારતીય વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર સાથે વાત કરી હતી. સચિવે તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.’
સેક્રેટરીએ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા માટે પોતાની સંવેદના વ્યક્ત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે યુનાઇટેડ સ્ટેટ્સની પ્રતિબદ્ધતા આપી વ્યક્ત કરી હતી.