ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, વી સુદર્શન રેડ્ડીને હરાવ્યા

નવી દિલ્હી : ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનને ચૂંટવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા છે. જયારે વી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.
સી.પી. રાધાકૃષ્ણનને 152 મતના માર્જિનથી જીત મેળવી
આ ચૂંટણીમાં કુલ 788 લોકો મતદાન કરવા માટે લાયક હતા. જેમાંથી 781 લોકોએ ભાગ લીધો હતો. જયારે મતદાનની ટકાવારી 98 ટકા હતી. જેમાં કુલ 767 મત પડ્યા હતા. જેમાંથી 752 મત માન્ય હતા. સી.પી. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા જ્યારે તેમના વિરોધી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. તેમણે આ ચૂંટણી 152 મતના માર્જિનથી જીતી હતી.
767 સાંસદોએ મતદાન કર્યું હતું
ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં 767 સાંસદોએ મતદાન કર્યું હતું. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…આજે ભારતને મળશે નવા ઉપરાષ્ટ્રપતિ: આ સાંસદો મતદાન નહીં કરે, આટલા વાગ્યે આવશે પરિણામ…