દેશમાં ખુલી શકે છે નવી બેંકો, 11 વર્ષ બાદ સરકાર આપવા જઈ રહી છે લાયસન્સ

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા નાણાંકીય વ્યવહારો અને અર્થતંત્રની ગતિવિધિઓના પગલે નવી બેંકોની જરૂરિયાત પણ વધી છે. જેના પગલે હવે નાણા મંત્રાલય અને આરબીઆઈ દાયકા બાદ ટૂંક સમયમાં નવી બેંકો માટે લાયસન્સ ઇસ્યુ કરી શકે છે. આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જેથી દેશમાં લાંબા ગાળાના વિકાસની ગતિને પ્રોત્સાહન મળી શકે.
મજબૂત બેંકો માટે માર્ગ ખોલવાનો પ્રયાસ
આ અંગે પ્રકાશમાં આવેલા અહેવાલ મુજબ આગામી દાયકાઓમાં દેશની મહત્વાકાંક્ષી વિકાસ યોજનાઓને પૂર્ણ કરવા માટે સરકાર અને કેન્દ્રીય બેંક વચ્ચે અનેક પગલાં લેવાની ચર્ચા થઈ રહી છે. જેમાં મજબૂત બેંકો માટે માર્ગ ખોલવાનો છે. આ વિકલ્પ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે કે મોટી કંપનીઓને શેર હોલ્ડિંગ પર પ્રતિબંધ સાથે બેંક લાઇસન્સ માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત, બિન-બેંકિંગ નાણાકીય કંપનીઓને સંપૂર્ણ બેંકિંગ સેવામાં રૂપાંતરિત કરવા માટે પ્રોત્સાહનો આપવા પર ચર્ચા થઈ રહી છે. જેમાં વિદેશી રોકાણકારોને સુવિધાઓ આપવા પર વિચારણા કરવામાં આવી રહી છે.
જોકે, હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે કેન્દ્રીય નાણાં મંત્રાલય તરફથી આ સંદર્ભમાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ તેની પ્રતિક્રિયા બજારમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે
વ્યવસાય ગૃહોએ બેંક પરમિટ માટે લાયસન્સ માંગ્યું
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014 પછી દેશમાં કોઈ બેંક લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2016 માં ઘણા ઔદ્યોગિક અને વ્યવસાય ગૃહોએ બેંક પરમિટ માટે લાયસન્સ માંગ્યું હતું, પરંતુ હવે તેના પર પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, વ્યવસાય ગૃહોને બેંકો ખોલવાની મંજૂરી આપવી એ એક સંવેદનશીલ અને
મોટો નિર્ણય હશે.
આ પણ વાંચો…હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને નહીં લાગે કોઈ ચાર્જ, SBI સહિત અનેક બેંકોએ…