ભારતને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને વ્યાપક નીતિગત ઉકેલની જરૂર: કોંગ્રેસ
નવી દિલ્હી: ભારતમાં બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને એક વ્યાપક નીતિગત ઉકેલની તાત્કાલિક જરૂર છે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા ડેટા દર્શાવે છે કે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી GST કલેક્શન 2019 અને 2024 વચ્ચે ઝડપથી વધીને રૂ. 2,241 કરોડથી વધીને રૂ. 5,517 કરોડ થયું છે.
તેમણે જણાવ્યું હતું કે જીએસટી કલેક્શનમાં આશ્ચર્યજનક રીતે 146 ટકાનો વધારો થયો છે, જેનો અમુક ભાગ વધુ સારી રીતે કરવામાં આવેલ અમલીકરણને આભારી હોઈ શકે છે, પરંતુ આ વધારો બજારના વધતા કદને કારણે પણ થયો છે. જયરામ રમેશે ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે
“નાણાકીય વર્ષ 2024માં 18 ટકાના દરે 5,517 કરોડનું કલેકશન થયું હતું. કોચિંગ સંસ્થાઓનું વાર્ષિક બજાર 30,653 કરોડનું છે. આ એક અત્યંત ચિંતાજનક આંકડો છે કારણ કે નાણાકીય વર્ષ 2024ના વર્ષમાં ઉચ્ચ શિક્ષણ માટે ફાળવેલા બજેટના લગભગ બે તૃતીયાંશ જેટલો છે.
આ પણ વાંચો : તો શું સસ્તી થશે Insurance Policy ? આ મુખ્યમંત્રીએ નિર્મલા સીતારમણ સમક્ષ કરી માંગ
આ સપ્તાહની શરૂઆતમાં શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં કોચિંગ સેન્ટરોમાંથી GST કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. 2019-20માં કોચિંગ સંસ્થાઓમાંથી GSTની આવક રૂ. 2,240.73 કરોડ નોંધાઈ હતી, જે 2023-24માં આ રકમ બેગણી વધીને રૂ. 5,517.45 કરોડ સુધી પહોંચી ગઈ હતી. 2020-21માં પાછલા વર્ષની સરખામણીમાં થોડો ઘટાડો નોંધાયો હતો.
કોંગ્રેસના સાંસદ જેબી માથેર હિશમે ગયા સપ્તાહના અંતમાં દિલ્હીમાં કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણીના ભરાવાને કારણે ત્રણ UPSC ઉમેદવારોના મોત બાદ કોચિંગ સેન્ટર અને તેમને સંબંધિત મુદ્દાઓ પર સરકારને પ્રશ્ન કર્યો હતો. રાજ્યસભામાં અન્ય એક પ્રશ્નના જવાબમાં મજમુદારે આ વર્ષે જાન્યુઆરીમાં જારી કરાયેલ માર્ગદર્શિકાની વાત કરતા કહ્યું હતું કે સરકારે દેશમાં ખાનગી કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ, આગની ઘટનાઓ અને સુવિધાઓમાં ખામીઓ અને શિક્ષણ પદ્ધતિની ઉણપને ધ્યાનમાં લઈને સૂચનાઓ આપી છે.