
નવી દિલ્હી : ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. ત્યારે ભારતીય નાણા મંત્રાલયના આર્થિક સમીક્ષા અહેવાલે આ બાબતને વધુ મજબૂતી આપી છે. જેમાં નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતીય અર્થતંત્ર માટે વૃદ્ધિનો અંદાજ અત્યંત મજબૂત છે. આ મજબૂતી માટે મુખ્યત્વે મજબૂત સ્થાનિક માંગ, નિયંત્રિત ફુગાવો અને માળખાકીય સુધારાઓની સકારાત્મક અસર કારણભૂત છે. જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ દેશના અર્થતંત્રને મજબૂતી બક્ષી રહ્યું છે.
બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ
આ અંગે અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. તેમજ આ વૃદ્ધિ એટલા માટે પણ મહત્વની છે કે, કારણ કે અમેરિકાએ ઓગસ્ટ માસમાં ભારત પર વધારાનો ટેરિફ ઝીંક્યો હતો. જ્યારે તહેવારોમાં જીએસટી સુધારાઓથી માંગમાં સતત વધારો થયો હતો.
આઈએમએફે આર્થિક વૃદ્ધિનો અંદાજમાં વધારો કર્યો
આ ઉપરાંત ભારતની મજબૂત આર્થિક સ્થિતી જોતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને આરબીઆઈ એ પણ તેમના વિકાસ અનુમાનમાં વધારો કર્યો છે. આઈએમએફે તેનો આર્થિક વૃદ્ધિનો અંદાજ 6.4 ટકા થી વધારીને 6.6 ટકા કર્યો છે. જ્યારે ભારતીય રિઝર્વ બેંકે તેનો અંદાજ 6.5 ટકા થી વધારીને 6.8 ટકા કર્યો છે.
આરબીઆઈએ ફુગાવાનો અંદાજ પણ ઘટાડ્યો
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ તેની તાજેતરની બેઠકમાં વ્યાજ દરમાં કોઈ બદલાવ ન હતો. જેમાં રેપો રેટ 5.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો હતો. તેમજ નાણાકીય વર્ષ 2026 માટે તેનો સરેરાશ ફુગાવાનો અંદાજ 3.7 ટકા અને પછી 3.1 ટકાથી ઘટાડીને 2.6 ટકા કર્યો હતો. જે ભાવ સ્થિરતા સૂચવે છે.



