આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? અલ નીનો કમજોર પડતા ધોધમાર વરસાદની સંભાવના
નવી દિલ્હી: વર્ષ 2023 ઘણું શુષ્ક અને ઉષ્ણ તાપમાનવાળું રહ્યું. અલ નીનોની સ્થિતિની અસર દેશના લગભગ દરેક ભાગમાં જોવા મળી. જો કે આ વર્ષે અલ નીનોની અસર ખતમ થવા આવી છે. જૂન સુધીમાં અલ નીનોનું સંકટ હટી જાય તો આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવું હવામાન નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે.
કેટલીક ગ્લોબલ ક્લાઇમેટ એજન્સીઓના સંશોધન પરથી જાણવા મળી રહ્યું છે કે જૂનથી ઓગસ્ટ સુધીમાં ‘લા નીના’ની સ્થિતિ બનશે, જેનો એવો અર્થ થઇ શકે છે કે આ વર્ષે ચોમાસુ ગત વર્ષની તુલનામાં સારું રહેશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે જૂન-જુલાઇ સુધી ‘લા નીના’ વિકસિત થઇ જશે. જો અલ નીનો ENSO-neutral સ્થિતિઓમાં પરિવર્તિત થઇ ગઇ તો પણ આ વર્ષે મોનસૂન ગત વર્ષની તુલનામાં સારુ રહેશે તેવી સંભાવના છે. જો કે અલ નીનો આ વર્ષના પ્રથમ 6 મહિના સુધી યથાવત રહેશે.
ભારતીય હવામાન વિભાગના એક વરિષ્ઠ વૈજ્ઞાનિક ડી. શિવાનંદ પાઇએ જણાવ્યું હતું કે હાલમાં કોઇ ચોક્કસ આગાહી કરી શકાય તેમ નથી. અમુક મોડલ લા નીનાનો સંકેત આપે છે, જ્યારે અમુક ENSO-neutral સ્થિતિ દર્શાવી રહ્યા છે. જો કે લગભગ તમામ મોડલ અલ નીનો ખતમ થશે તેવા સંકેતો આપી રહ્યા છે.
અમેરિકાના સામુદ્રિક અને વાયુમંડલીય તંત્રએ ગત અઠવાડિયે માહિતી આપી હતી કે 79 ટકા એવી શક્યતાઓ છે કે અલ નીનો એપ્રિલ-જૂન સુધી ENSO-neutralમાં ફેરવાઇ જશે અને જૂન-ઓગસ્ટમાં ‘લા નીના’ વિકસિત થવાની 55 ટકા સંભાવનાઓ છે. યુરોપિયન યુનિયનના કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે પુષ્ટિ કરી છે કે લા નીના એ એલ નીનોનું જ એક સ્વરૂપ છે અને અલ નીનોની મજબૂત અસર બાદ લા નીનાની અસર વર્તાતી હોય છે.