US Tariff War: ભારતમા હાર્લી-ડેવિડસન-બોર્બોન વ્હિસ્કી પર આયાત ડ્યુટીમાં ઘટાડાની શક્યતા…

નવી દિલ્હી : અમેરિકાએ શરૂ કરેલા ટેરિફ વોરથી(US Tariff War)સમગ્ર વિશ્વમા ચિંતાનો માહોલ છે. ત્યારે અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તેવા સમયે ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે વેપાર મંત્રણા પણ ચાલી રહી હોવાની સૂત્રોએ માહિતી આપી હતી. જોકે, આ દરમિયાન એક મોટી વિગત પ્રકાશમાં આવી છે. એક અખબારના અહેવાલ અનુસાર ભારત સરકાર અમેરિકાની હાર્લી-ડેવિડસન મોટર સાયકલો, બોર્બોન વ્હિસ્કી અને કેલિફોર્નિયા વાઇન પર ટેરિફ ઘટાડી શકે છે.
ટેરિફમાં વધુ ઘટાડો કરવા માટે ચર્ચા ચાલી રહી
આ અંગે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બંને દેશો કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા અને વેપાર સંબંધોને પ્રોત્સાહન આપવા માટે વાતચીત કરી રહ્યા છે. સરકારે અગાઉ હાર્લી-ડેવિડસન મોટર સાયકલ પરની આયાત ડ્યુટી 50 ટકા થી ઘટાડીને 40 ટકા કરી હતી. હવે ટેરિફમાં વધુ ઘટાડો કરવા માટે ચર્ચા ચાલી રહી છે. જેનાથી આ પ્રીમિયમ બાઇક બજારમાં વધુ સસ્તી બનશે.
ભારતીય બજારમાં વધુ સારી પહોંચ મળી શકે
જ્યારે બોર્બોન વ્હિસ્કી પરનો ટેરિફ 150 ટકાથી ઘટાડીને 100 ટકા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે વધુ એક ઘટાડો બંને દેશો વચ્ચે સુગમ વેપારને સરળ બનાવવા માટે અપેક્ષિત છે. કેલિફોર્નિયા વાઇન પર ટેરિફ ઘટાડવાની પણ ચર્ચા થઈ રહી છે જેથી તેને ભારતીય બજારમાં વધુ સારી પહોંચ મળી શકે.
ભારતનો નિકાસ માટે અનુકૂળ શરતો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ
આ બંને દેશો વચ્ચેની વેપાર વાટાઘાટો ફક્ત મોટર સાયકલ અને દારૂ સુધી મર્યાદિત નથી. અધિકારીઓ ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને રસાયણોની યુએસ નિકાસ વધારવા અંગે પણ ચર્ચા કરી રહ્યા છે. અમેરિકા ભારતના વિકસતા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પોતાનો બજાર હિસ્સો વધારવા આતુર છે.જ્યારે ભારત અમેરિકામાં તેની નિકાસ માટે અનુકૂળ શરતો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ફાર્મા ઉત્પાદનોની આયાતમાં નોંધપાત્ર ફેરફારો થયા
હાલમા અમેરિકાથી ભારતમાં ફાર્મા ઉત્પાદનોની આયાતમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. નાણાકીય વર્ષ 2020 -21 માં આયાત 2,26,728.33 લાખ રૂપિયા રહી હતી. વર્ષ 2021-22 માં તે 78.8 ટકા વધીને 4,05,317.35 લાખ રૂપિયા થયું. જોકે, 2022-23 માં આયાત 27.5 ટકા ઘટીને 2,93,642.57 લાખ રૂપિયા થઈ ગઈ. વર્ષ 2023 માં ફરી વલણ બદલાયું છે. આયાત 10.8 ટકા વધીને રૂપિયા 3,25,500.17 લાખ થઈ.
આ પણ વાંચો : અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું, ટ્રમ્પ સરકારે 41% F-1 વિઝા અરજીઓ નકારી…
આ વસ્તુઓના ભાવ ઘટી શકે છે
જો પ્રસ્તાવિત ટેરિફ ઘટાડાનો અમલ કરવામાં આવે તો, હાર્લી-ડેવિડસન મોટર સાયકલો ભારતીય ખરીદદારો માટે વધુ સસ્તી બની શકે છે. બોર્બોન વ્હિસ્કી અને કેલિફોર્નિયા વાઇન પર ઓછી ડ્યુટી પણ આ ઉત્પાદનોને ભારતીય દારૂ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવી શકે છે. આ ઉપરાંત અમેરિકાથી દવાની આયાતમાં વધારો ભારતીય દવા ઉત્પાદકોને અસર કરી શકે છે.