
નવી દિલ્હી: ગઈ કાલે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં ભારતમાં આ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ (Ahmedabad Plane Crash) છે. આ દુર્ઘટનામાં 260 લોકોના મોતની આશંકા છે, આ ઘટનાને કારણે ગુજરાત ઉપરાંત દેશભરમાં શોકનો માહોલ છે. આ પ્લેઈન બોઇંગનું 787-8 ડ્રીમ લાઈનર હતું, આ પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ થઇ રહી છે. એક વ્હિસલ બ્લોઅરે દાવો કર્યો હતો કે બોઇંગ 787-8ની ડીઝાઈનમાં મોટી ખામીઓ હતી. એવામાં અહેવાલો છે કે ભારત સરકાર દેશના તમામ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સેફટી ચેક કરવામાં માટે તમામ બોઇંગ 787-8ને ગ્રાઉન્ડેડ કરવામાં આવશે. આ સંદર્ભમાં ભારત અને યુએસ એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ, “દુર્ઘટનાની તપાસના આધારે નિર્ણય લેવામાં આવશે.”
આ ઉપરાંત સુત્રોએ જણાવ્યું હતું કે પ્લેનના મેન્ટેનન્સ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર અંગે એર ઇન્ડિયા સામે તપાસ શરુ થઇ શકે છે.
આજે શુક્રવારે પણ પુરાવા માટે કાટમાળની શોધ કરવામાં આવી રહી છે, અધિકારીઓને વિમાનના બે બ્લેક બોક્સમાંથી એક મળી ગયું છે, જયારે વધુ એક બ્લેક બોક્સની શોધ ચાલુ છે.
એર ઇન્ડિયા યુકે, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વમાં લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે 787-8 નો ઉપયોગ કરે છે. એર ઇન્ડિયાને વર્ષના અંત સુધીમાં વધુ એક 787-8 વિમાન મળવાની અપેક્ષા છે.
બોઇંગ ભૂતપૂર્વ ક્વોલીટી મેનેજરે જોન બાર્નેટે ગત વર્ષે ડ્રીમલાઇનર પ્રોગ્રામમાં સલામતી ખામીઓ અંગે સવાલો ઉઠાવ્યા હતાં અને ઘણા ખુલાસા કર્યા હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે કંપની પસેન્જર સેફટી કરતા પ્રોફિટને વધુ મહત્વ આપી રહી છે. તેમણે તમામ 787 ડ્રીમલાઇનર ગ્રાઉન્ડ કરવા અને સેફટી ચેક કરવાની માંગ કરી હતી, જો કે કંપનીએ આ દાવા ફગાવી દીધા હતાં. તેમણે આ દાવા કર્યાના થોડા મહિનાઓ બાદ જોન બાર્નેટનું હસ્યમય રીતે મૃત્યુ થયું હતું.
આપણ વાંચો : આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…