
નવી દિલ્હી: યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરીફ લગાવી ચુક્યા છે. ત્યાર બાદ તેમણે ભારત સહિત અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરી (Reciprocal Tariff) લાગવવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે વૈશ્વિક વ્યાપારને માઠી અસર થવાની ભિતી છે. યુએસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ ટેરીફ 2 એપ્રિલના રોજથી લાગુ થશે. જોકે ભારતને રેસિપ્રોકલ ટેરીફમાંથી રાહત મળે તેવી શક્યતા છે. આ મુદ્દા પર, આજે નવી દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દાઓ પર ચર્ચા થવા જઈ રહી છે.
અહેવાલ મુજબ 2 એપ્રિલે ઘણા દેશોને ટેરીફમાં છૂટછાટ આપવામાં આવશે. જોકે, વ્હાઇટ હાઉસની વેપાર નીતિ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે. દરમિયાન, ભારતના વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ યુએસ સાથે ચર્ચા કરી રહ્યા છે. આજે ભારતીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ (Piyush Goyal) અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) જેમીસન ગ્રીર વચ્ચે વાટાઘાટો થશે.
સકારાત્મક પરિણામોની આશા:
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વેપાર કરારને મજબૂત બનાવવા અને ટેરિફ વિવાદના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારતે પહેલાથી જ કેટલાક યુએસ ઉત્પાદનો, જેમ કે બોર્બોન વ્હિસ્કી અને મોટરસાયકલ પર ટેરિફ ઘટાડી દીધો છે, જેને ટ્રમ્પે સકારાત્મક પગલું ગણાવ્યું છે. જેના કારણે આ બેઠકના સકારાત્મક પરિણામો આવે તેવી આશા છે.
વાણીજ્ય મંત્રાલયના એક અધિકારીએ એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે ઔપચારિક વાટાઘાટો મંગળવારથી શરૂ થવાની હતી, તે બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી છે કારણ કે વાણીજ્ય મંત્રાલય તમામ મંત્રાલયો પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે ટર્મ ઓફ રેફરન્સ (TOR) તૈયાર કરવામાં વ્યસ્ત છે.
અહેવાલ મુજબ, ભારત અમેરિકાથી આયાત થતા $23 બિલિયનના મૂલ્યના 55% ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા તૈયાર થઈ શકે છે. આ નિર્ણય અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફ સામે રાહત માટે લેવામાં આવશે. અહેવાલ મુજબ યુએસના ટેરિફથી ભારતના કુલ $66 બિલિયન નિકાસના 87% ને અસર થઇ શકે છે.
આ પણ વાંચો…ઓડિશામાં એવું તે શું થયું કે 12 ધારાસભ્યોએ વિધાનસભાની બહાર રાત વિતાવવી પડી? જાણો વિગત