
અમદાવાદઃ લગ્નના સાત ફેરા ફરેલા દંપતીઓ એકબીજાને આપતા વચનોમાં વફાદાર રહેવાનું વચન પણ આપે છે. લગ્ન બાદ દરેક સ્ત્રી કે પુરુષના જીવનમાં અન્ય મહિલા કે પુરુષો આવતા જ હોય છે, પરંતુ સંયમ અને પાત્ર પ્રત્યેની વફાદારી તેમ જ સમાજ અને કાનૂનને ધ્યાનમાં લઈ દરેક સંબંધોમાં એક મર્યાદા નક્કી થાય અને તેને અનુસરવામાં આવે તે બહુ જરૂરી છે.
જોકે છેલ્લા ઘણા સમયથી પરિણિત સ્ત્રી કે પુરુષોમાં લગ્ન બાહ્ય સંબંધોનો જાણે એક ટ્રેન્ડ હોય તેમ જોવા મળે છે. આવા સંબંધોને ફિલ્મો કે વેબસિરિઝમાં પણ રંગીન બતાવવામાં આવે છે અને કોઈ એક સ્ત્રી કે પુરુષનો પરિણિત હોવા છતાં અન્ય સ્ત્રી પુરુષ સાથેનું આકર્ષણ અને સંબંધો સામાન્ય કે સ્વીકાર્ય હોય તેવું ચિત્ર તૈયાર થી રહ્યું છે. જોકે તે પતિ કે પત્ની પોતાના જીવનસાથીને સમર્પિત હોય અને તેમનાથી સામા પાત્રનો વિશ્વાસઘાત સહન ન થાય ત્યારે તેઓ નિરાશા અને આત્મહત્યા તરફ વળતા હોય છે. ગુજરાતમાં આવી આત્મહત્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે.
એક અહેવાલમાં આપવામાં આવેલા આંકડા અનુસાર પાંચ વર્ષમાં 300 જેટલી આત્મહત્યા લગ્ન બાહ્ય સંબંધોને લીધે થઈ છે. આ સાથે ચોંકાવનારી વાત એ છે કે આ કારણોથી આત્મહત્યા કરનારાઓમાં સ્ત્રીઓ કરતા પુરુષોની સંખ્યા વધારે છે. જોકે જરૂરી નથી કે પતિ કે પત્નીના વિશ્વાસઘાતને લીધે જ આત્મહત્યા થઈ હોય, પુરુષો પ્રેયસીને કારણે પણ આવું પગલુ ભરતા હોય છે.
ગુજરાતમાં વર્ષ 2019માં 16 પુરુષ અને છ મહિલાઓ સહિત 22 જણે આત્મહત્યા કરી હતી. આ આંકડો 2022માં વધીને 86 થયો હતો, જેમાં આત્મહત્યા કરનારા 50 પુરુષ અને 36 મહિલાનો પણ સમાવેશ થાય છે. આમ જોતા ત્રણ વર્ષમાં લગ્નેત્તર સંબંધોને લીધે થનારી આત્મહત્યાઓ લગભગ ડબલ થઈ ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે.
લગ્ન બાહ્ય સંબંધો ઉપરાંત દહેજને લીધે 3, છૂટાછેડાને લીધે 94 અને અન્ય લગ્નસંબંધી કારણોને લીધે 80 જણે 2022માં આત્મહત્યા કરી હોવાનું અહેવાલો જણાવે છે.
વર્ષ 2022માં લગ્ન સંબંધી સમસ્યાને લીધે 367 જણે આત્મહત્યા કરી હોવાનાં અહેવાલો છે. છેલ્લા પાંચ વર્ષમાં લગ્નેત્તર સંબંધોને કારણે 172 પુરુષ અને 131 મહિલા મળી 303 જણે આત્મહત્યા કરી છે, તેમ આંકડા જણાવે છે. આનું એક કારણ એ પણ હોઈ શકે તે પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓને પતિના આડા સંબંધો ખમી લેવાની કે પચાવી પાડવાની માનસિકતા હોય છે, પરંતુ પુરુષો આ વિશ્વાસઘાત સહન કરી શકતા નથી. વળી ઘણા કેસમાં પોતાના સંબંધો ઉઘાડા પડી જતા પણ આત્મહત્યાનું અંતિમ પગલું ભરાતું હોય છે. લગ્નબાહ્ય સંબંધો અને આત્મહત્યા બન્ને સભ્ય સમાજ માટે ઘાતક અને ચિંતાજનક છે.