ભારતીય સૈનિકોની વાપસીને લઇને ભારત અને માલદીવમાં સત્તાવાર વાતચીત શરૂ: રિપોર્ટ
માલે: માલદીવ અને ભારત વચ્ચે રવિવારે હિંદ મહાસાગરના ટાપુ રાષ્ટ્ર માલદીવમાં તહેનાત ભારતીય સૈનિકોની વાપસી અંગે સત્તાવાર વાટાઘાટો શરૂ કરી હતી. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
માલદીવે ભારતીય સૈનિકોની વાપસીની માગ કર્યાના લગભગ બે મહિના બાદ આ મંત્રણા શરૂ થઈ હતી. સનઓનલાઈન’ અખબારના અહેવાલને ટાંકીને પીટીઆઈએ કહ્યું હતું કે આ વાતચીત માલદીવના વિદેશ મંત્રાલયના માલે ખાતેના મુખ્યાલયમાં શરૂ થઈ હતી.
રાષ્ટ્રપતિ ઓફિસમાં સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના મંત્રી ઈબ્રાહિમ ખલીલે અખબારને જણાવ્યું હતું કે આ બેઠક ઉચ્ચ સ્તરીય કોર ગ્રૂપની હતી જે ડિસેમ્બરમાં દુબઇમાં સીઓપી૨૮ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠક કરવા પર સહમત થયા હતા.
ખલીલે કહ્યું હતું કે ગ્રૂપ ભારતીય સૈન્ય કર્મીઓની વાપસી અને માલદીવમાં ભારત સમર્થિત વિકાસ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા અંગે ચર્ચા કરી રહ્યું છે. મુઈઝુની પાર્ટીનું મુખ્ય અભિયાન માલદીવમાંથી ભારતીય સૈનિકોને હટાવવાનું હતું. હાલમાં ડોર્નિયર ૨૨૮ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે એચએએલ ધ્રુવ હેલિકોપ્ટર સાથે લગભગ ૭૦ ભારતીય સૈનિકો માલદીવમાં તહેનાત છે. કાર્યભાર સંભાળ્યાના બીજા દિવસે મુઇઝુએ સત્તાવાર રીતે ભારત સરકારને માલદીવમાંથી તેના સૈનિકો પાછા ખેંચવા વિનંતી કરી હતી.