નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકારે ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. ‘ઓપરેશન અજય’ હેઠળ, ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવામાં આવશે. વિદેશ પ્રધાન એસ જયશંકરે ‘X’ પર આ માહિતી આપી હતી.
જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “અમે અમારા નાગરિકો કે જેઓ ઇઝરાયલથી પરત ફરવા માંગે છે તેમના માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરી રહ્યા છીએ.” “ખાસ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે,” તેમણે કહ્યું. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. જયશંકર હાલમાં શ્રીલંકાની મુલાકાતે છે.
ભારતીયોના પ્રથમ બેચને આજે વિશેષ ફ્લાઇટમાં ઇઝરાયલથી પરત લાવવામાં આવે તેવી શક્યતા છે. જયશંકરની જાહેરાત પછી તરત જ ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેમણે ગુરુવારે વિશેષ ફ્લાઇટ માટે નોંધણી કરાવનારા ભારતીય નાગરિકોની પ્રથમ બેચને ઈ-મેલ મોકલ્યો છે. “આગામી ફ્લાઇટ્સ માટે નોંધાયેલા અન્ય લોકોને પણ સંદેશાઓ મોકલવામાં આવશે.”
નોંધનીય છે કે લગભગ 18,000 ભારતીય નાગરિકો કામ અથવા અભ્યાસ માટે ઇઝરાયલમાં રહે છે. અહીં રહેતા ભારતીયોનો મોટો હિસ્સો કેરગીવર તરીકે કામ કરે છે, પરંતુ અહીં લગભગ એક હજાર વિદ્યાર્થીઓ, ઘણા આઈટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓ પણ રહે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જારી કરવામાં આવ્યા છે. આ ઇમરજન્સી નંબરો છે 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988. તમે ઇમેઇલ પણ કરી શકો છો: Situnationroom@mea.gov.in. તેલ અવીવ, ઇઝરાયેલમાં સ્થિત ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબરો છે +972-35226748 અને +972- 543278392.
આતંકવાદી હમાસે સાત ઑક્ટોબરે ઇઝરાયલ પર રોકેટ હુમલો કરી ઘુસણખોરી કરી સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. ઇઝરાયલ તરફથી ગાઝા પર સતત હુમલા થઈ રહ્યા છે. સાથે જ હમાસ પણ ઈઝરાયલ તરફ રોકેટ છોડી રહ્યું છે. ભારત, અમેરિકા સહિત વિશ્વના અનેક દેશો ઇઝરાયલના સમર્થનમાં આગળ આવ્યા છે તો પાકિસ્તાન, લેબનોન, રશિયા જેવા દેશો પેલેસ્ટાઇનના સમર્થનમાં આગળ આવ્યા છે.