નેશનલ

કેનેડાના નાગરિકો માટે ભારતે શરૂ કરી ઈ-વિઝા સેવા

નવી દિલ્હી: કેનેડાના નાગરિકો માટે ભારતે ઈ-વિઝા સેવા ફરી શરૂ કરતા બંને દેશ વચ્ચેનો તણાવ ઘટી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. છેલ્લા બે મહિનાથી ભારતે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સેવા બંધ કરી હતી.

હવે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવતાં કેનેડાના નાગરિકો ફરી ભારતનો પ્રવાસ કરી શકશે.

કેનેડાએ સપ્ટેમ્બર મહિનામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો ભારતીય એજન્ટ પર આક્ષેપ કર્યો હતો. આ કારણે બંને દેશ વચ્ચે તણાવ વધ્યો હતો અને સંબંધ વણસ્યા હતા.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સંસદમાં કહ્યું હતું કે કેનેડાના નાગરિક નિજ્જરની જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયાના સરે પ્રાન્તમાં ગુરુદ્વારાની બહાર કરવામાં આવેલી હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હતો. ત્યાર બાદ ૨૧ સપ્ટેમ્બરે ભારતે કેનેડાના નાગરિકોને ઈ-વિઝા આપવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આક્ષેપો પાયાવિહોણા અને રાજકારણ પ્રેરિત હોવાનું જણાવી ભારત સરકારે આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

ભારતે કહ્યું હતું કે કેનેડાને એ લાગતું હોય કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ છે તો તે પુરવાર કરવા તેમણે પુરાવા રજૂ કરવા જોઈએ.

આ ઘટના બાદ બંને દેશ વચ્ચેના સંબંધ વણસ્યા હતા અને બંને દેશે પોતપોતાના દેશના અનેક રાજદૂતોને જતા રહેવા પણ જણાવી દીધું હતું.

જોકે, હવે ભારત સરકારના આ નિર્ણય બાદ કેનેડાના નાગરિકો માટે તમામ પ્રકારના વિઝાની સેવા શરૂ થઈ ગઈ છે જેમાં ઍન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મૅડિકલ વિઝા, કૉન્ફરન્સ વિઝા અને ટૂરિસ્ટ વિઝાનો સમાવેશ થાય છે. કેનેડામાં વસતા અનેક ભારતીયોએ કેનેડાનું નાગરિકત્વ લઈ લીધું છે.

આ સંજોગોમાં જો તેમની પાસે ઓસીઆઈ ન હોય તો તેમણે વિઝા લઈને જ ભારત આવવું પડે છે.

આ ઉપરાંત કેનેડાના અનેક નાગરિકો ટૂરિસ્ટ વિઝા પર પણ ભારત આવે છે.

જી-૨૦ની વર્ચ્યુઅલ બેઠક યોજાવાની હોવા વચ્ચે ભારત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે આ બેઠકમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સહિત જી-૨૦ દેશોના નેતાઓ પણ ભાગ લેવાના છે.

જી-૨૦ બેઠકનું અધ્યક્ષપદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા છે.

આફ્રિકી યુનિયનના અધ્યક્ષ સહિત જી-૨૦ના તમામ સભ્ય દેશના નેતાઓ સાથે નવ અતિથિ દેશ અને ૧૧ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ચીનના વડા પ્રધાન લી કિયાંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિન સહિત અનેક નેતાઓ આ બેઠકમાં ભાગ લેવાના છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button