ભારતની પાકિસ્તાનની તમામ ગતિવિધિઓ પર બાજ નજર, ડ્રોન તૈનાત કર્યા

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરશે. જેની માટે ભારત અલગ અલગ મોરચે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે. તેમજ ભારતીય સેના પણ એલર્ટ મોડમાં છે. તેમજ પાકિસ્તાનની તમામ લશ્કરી અને અન્ય પ્રવુતિઓ બાજ નજર રાખી રહી છે. ભારત પાકિસ્તાન ઈંધણ પુરવઠાની આપૂર્તિ અને યુદ્ધ જહાજોની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. પહલગામ હુમલા સમયે એવા અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા કે પાકિસ્તાન ઈંધણની અછતનો સામનો કરી રહ્યું છે. તેની પાસે મર્યાદિત ઈંધણ પુરવઠો છે.
જહાજોની ગતિવિધિ પર નજીકથી નજર
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ત્યારે પાકિસ્તાને તેના સાથી દેશો પાસેથી ઈંધણ મેળવવા માટે મદદ માંગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં તૈનાત ભારતની સર્વેલન્સ સિસ્ટમ કરાચી અને અન્ય પાકિસ્તાની બંદરોને ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડતા જહાજોની ગતિવિધિ પર નજીકથી નજર રાખી રહી છે.
ભારતીય નૌકાદળે પાકિસ્તાન નૌકાદળ અને પાકિસ્તાનની અન્ય પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે આ ક્ષેત્રમાં તેના P-8I અને MQ-9B ડ્રોન તૈનાત કર્યા છે. ભારતના ઉપગ્રહો પાકિસ્તાનના મિત્ર ગણાતા અન્ય નૌકાદળોની ગતિવિધિઓ પર પણ નજર રાખી રહ્યા છે.
પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો
પહલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલના રોજ પ્રવાસીઓને નિશાન બનાવીને આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને લગભગ 17 લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં સામેલ બે આતંકવાદીઓના પાકિસ્તાન સાથે સંબંધો હતા જેના કારણે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધાં હતા.
તમામ પ્રકારના વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો
ભારતે 1960માં પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. જેનાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. ભારતે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો પર ભારે પ્રતિબંધ મૂક્યો છે અને તમામ પ્રકારના વેપાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો પાકિસ્તાન માટે બચવું છે મુશ્કેલ, આ ‘બ્રહ્માસ્ત્ર’ જ પડશે ભારે
પાકિસ્તાન હવે ભારતના જવાબી હુમલાથી ડરી ગયું
આ હુમલા પછી પાકિસ્તાન હવે ભારતના જવાબી હુમલાથી ડરી ગયું છે. તેના મંત્રીઓ સતત ભારત દ્વારા સંભવિત હુમલા વિશે વાત કરી રહ્યા છે. સોમવારે જ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે ભારત ગમે ત્યારે કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર લશ્કરી હુમલો કરી શકે છે. ભારત દ્વારા કરવામાં આવતા કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનરોએ પણ સોમવારે કહ્યું હતું કે તેઓ પોતાના લોકોની સુરક્ષા માટે સંપૂર્ણ તાકાતથી જવાબ આપશે.