ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે દેશ અમૃતકાળના પ્રારંભિક વરસમાં છે અને ભારત માટે પરિવર્તનના યુગનો આ
આરંભ છે. તેમણે કહ્યું હતું કે બંધારણમાં જણાવેલી મૂળભૂત ફરજોને વળગી રહેવાની હું દેશના તમામ નાગરિકોને અપીલ કરું છું.
તેમના યોગદાન થકી જાહેરજીવનને સમૃદ્ધ બનાવવા બદલ ભારતરત્ન એવૉર્ડ માટે જેમના નામની પસંદગી કરવામાં આવી છે તે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કર્પૂરી ઠાકુરને દ્રૌપદી મુર્મૂએ શ્રદ્ધાંજલી આપી હતી. ભારતના સાંસ્કૃતિક વારસાની ચાલી રહેલી શોધમાં રામમંદિર સીમાચિહ્નરૂપ હોવાનું તેમણે કહ્યું હતું.
રામમંદિરનું નિર્માણ લોકોની આસ્થા તેમ જ દેશની ન્યાય પ્રક્રિયામાં તેમના અસાધારણ વિશ્ર્વાસનું પ્રતીક હોવાનું તેમણે કહ્યું હતું.
જી-૨૦ શિખર પરિષદે વૈશ્ર્વિક સ્તરે ભારતના શબ્દોનું વજન વધાર્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે તાજેતરનાં વરસોમાં દેશનો જીડીપીનો વૃદ્ધિદર વિશ્ર્વના અન્ય મહત્ત્વનાં અર્થતંત્રોની સરખામણીએ સર્વાધિક હોવાનું તેમણે કહ્યું હતું.
સરકારે કલ્યાણ યોજનાઓનો માત્ર વ્યાપ જ નથી વધાર્યો, પરંતુ નવેસરથી તેની વ્યાખ્યા પણ કરી છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)