નેશનલ

હોસ્પિટલે દર્દીનાં સગાંને આઈસીયુ-વેન્ટિલેટર વગેરેનો ખર્ચ પહેલાંથી કહેવો પડશે, કેન્દ્રનું ફરમાન

નવી દિલ્હી : દેશની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસે કરાતી ઉઘાડી લૂંટ પર નિયંત્રણ લાવવા માટે કેન્દ્ર સરકારે કડક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જેમાં હવે હોસ્પિટલ ઓથોરિટીએ દર્દીના પરિજનોને આઈસીયુ અને વેન્ટિલેટરનો સંપૂર્ણ ખર્ચ પહેલા જણાવવો પડશે. તેમજ વેન્ટિલેટર શરૂ કરતાં પૂર્વે દર્દીના પરિવારજનોની લેખિત મંજૂરી લેવી પડશે.આ નવા દિશા-નિર્દેશનો ઉદ્દેશ વેન્ટિલેટર જેવા જીવન રક્ષક ડિવાઇસનો ગેરકાયદે ઉપયોગ પર નિયંત્રણ લગાવવાનો છે. જેમાં ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ દ્વારા ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટરના ઉપયોગમાં પારદર્શિતા અંગે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

ઇમરજન્સી સર્વિસ દર્દીની સારવાર માટે

ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે, સરકારનો ઉદ્દેશ ખાનગી હોસ્પિટલ સિસ્ટમમાં ખોવાયેલો વિશ્વાસ ફરી પુન: સ્થાપિત કરવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇમરજન્સી સર્વિસ દર્દીની સારવાર માટે છે તેની આર્થિક પાયમાલી માટે નથી. તેમજ હવે 14 દિવસથી વધુ સમય માટે વેન્ટિલેટરપર રહેલા દર્દીઓનો રેકોર્ડ પર સરકાર નજર રાખશે.

વેન્ટિલેટર શરૂ કરતા પૂર્વે પરિવારના સભ્યોને જણાવવું પડશે

આ નવી ગાઇડ લાઇન્સ મુજબ વેન્ટિલેટર શરૂ કરતા પૂર્વે પરિવારના સભ્યોને સારવારની જરૂરિયાત તેના જોખમો અને તેના પરિણામો વિશે વિગતવાર જાણ કરવી આવશ્યક છે. તેમજ વેન્ટિલેટર અને ICU સંભાળનો અંદાજિત દૈનિક ખર્ચ પરિવારના સભ્યોને અગાઉથી જણાવવો પડશે.જેથી તેઓ નાણાકીય વ્યવસ્થા કરી શકે.

વેન્ટિલેટર ચાર્જ તમામ હોસ્પિટલના વિભાગોમાં સમાન રહેશે

આ ઉપરાંત વેન્ટિલેટર ચાર્જ તમામ હોસ્પિટલના વિભાગોમાં સમાન રહેશે. આ ઉપરાંત ફિલ્ટર્સ, સર્કિટ, વગેરે અલગથી સૂચિબદ્ધ હોવા જોઈએ. તેમજ હોસ્પિટલના બિલિંગ કાઉન્ટર પર અને ICU ની બહાર અને વેબસાઇટ પર તમામ ચાર્જ સ્પષ્ટપણે દર્શાવવો ફરજિયાત છે.આ ઉપરાંત હોસ્પિટલો ફક્ત વેન્ટિલેટર ખરેખર ઉપયોગમાં હોય તે સમય માટે જ ચાર્જ કરી શકશે. જ્યારે તે સ્ટેન્ડબાય પર હોય અથવા વપરાયેલ ન હોય ત્યારે બિલિંગની મંજૂરી આપવામાં આવશે નહીં.

48 થી 72 કલાકનો ટ્રાયલ આપવામાં આવશે

તેમજ ક્રિટિકલ સ્થિતિ ધરાવતા દર્દીઓને 48 થી 72 કલાકનો ટ્રાયલ આપવામાં આવશે. ત્યારબાદ સારવાર સાથે આગળ વધવું કે નહીં તે નક્કી કરવા માટે સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ દર્દી 14 દિવસથી વધુ સમય માટે વેન્ટિલેટર પર રહે છે. તો એક સમિતિ તેની સમીક્ષા કરશે અને હોસ્પિટલે આંતરિક ઓડિટ કરાવવું પડશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button