અનમોલ બિશ્નોઈ અંગે ગૃહ મંત્રાલયનો મહત્વનો આદેશ, અન્ય રાજ્યની પોલીસ કસ્ટડી નહિ લઈ શકે…

નવી દિલ્હી : દેશના કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ અંગે ગૃહ મંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે BNSSની કલમ 303 હેઠળ કોઈપણ રાજ્ય પોલીસ કે એજન્સી એક વર્ષ માટે અનમોલ બિશ્નોઈની શારીરિક કસ્ટડી લઈ શકતી નથી. ગૃહ મંત્રાલયના આ આદેશને સમજીએ તો હવે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ આગામી એક વર્ષ સૌથી સુરક્ષિત તિહાર જેલમાં જ રહેશે.
અનમોલ બિશ્નોઈ દેશના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ
તેમજ કોઈ કેસમાં અન્ય રાજ્યની પોલીસ કે એજન્સી અનમોલ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે. તો તેઓ ફક્ત એક વર્ષ માટે તિહાર જેલમાં જ કરી શકશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ગૃહ મંત્રાલયે સુરક્ષાને કારણે ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ અંગે આ આદેશ જાહેર કર્યો છે. નોંધનીય છે કે અનમોલ બિશ્નોઈ દેશના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. આ અગાઉ, ગૃહ મંત્રાલયે લોરેન્સ બિશ્નોઈ અંગે આવો જ આદેશ જાહેર કર્યો હતો.
બાબા સિદ્દીકીની હત્યા સહિત અનેક રાજ્યોમાં ગંભીર આરોપો
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને તેના નજીકના સહયોગી અનમોલ બિશ્નોઈને અમેરિકામાંથી દેશનિકાલ કર્યા બાદ ભારત લાવવામાં આવ્યો હતો. દિલ્હી પહોંચતા જ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અનમોલ બિશ્નોઈની ધરપકડ કરી લીધી હતી. અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા સહિત અનેક રાજ્યોમાં ગંભીર આરોપો છે.
ગેંગ હાઇ-પ્રોફાઇલ હત્યાઓમાં સંડોવાયેલી
એનઆઈએએ જણાવ્યું હતું કે અનમોલનું નામ દેશભરમાં 11 ગુનાહિત કેસોમાં છે. આ ગેંગ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં સક્રિય હતી. તેના દસ્તાવેજમાં ગેંગના વિદેશમાં જોડાણોના વ્યાપક નેટવર્કની વિગતો છતી થાય છે. આ ગેંગ સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિત અનેક હાઇ-પ્રોફાઇલ હત્યાઓમાં સંડોવાયેલી છે.
આ પણ વાંચો…ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ 11 દિવસની એનઆઈડી કસ્ટડીમાં મોકલાયો, ઉકેલાશે અનેક ગુનાઓના ભેદ…



